અમદાવાદ: અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે મોડી રાત્રે ફૂટપાથ પર સૂતેલા પરિવાર પર કાર ચલાવી ફરાર થઈ ગયેલો પર્વ શાહ આજે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો છે. આ ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ કારચાલક અને તેની સાથેના અન્ય ત્રણ લોકો ફરાર થઈ ગયા હતા.
જે કારથી અકસ્માત થયો હતો, એ i20 કાર મીઠાખળીના શૈલેશ શાહ નામની વ્યક્તિની છે અને તેણે કાર પર નવ ઈ-મેમો ભરવાના બાકી છે. જોકે એ અકસ્માત કારચાલક શૈલેશ શાહના પુત્ર પર્વ શાહ દ્વારા થયો હોવાનો ખુલાસો થયો હતો. ત્યાર બાદ પર્વ શાહ સેટેલાઇટના N ડિવિઝિન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.
પર્વ શાહે જણાવ્યું હતું કે તે તેના મિત્રો સાથે સિંધુ ભવન રોડ પર હતો, પરંતુ સિંધુ ભવન રોડ પર પોલીસ તેને જોઈ જતાં તેઓ ગલીમાં વળી ગયા હતા, પરંતુ પાછળ પોલીસ હોવાથી તેમણે કાર ભગાવી હતી. જેને પગલે પોલીસે પણ પીછો કર્યો હતો. પોલસની બીકથી પર્વે કાર જોરથી ભગાવી હતી. જોકે પોલીસ વેન્ટો કારમાં હોવાથી પર્વએ રેસ ડ્રાઇવિંગ શરૂ કર્યું હતું.
પર્વ શાહે દાવો કરતાં કહ્યું હતું કે મારી કાર 40 કિ.મી.ની જ સ્પીડથી જ ચાલતી હતી. કાર અંદર ઘૂસી ગઈ એટલે લોકો લાકડી લઈને મારવા આવ્યા અને એક વ્યક્તિએ મારા મિત્રને માર્યો એટલે અમે દોડીને મીઠાખળી ભાગી ગયા. મને આ વાતનું દુઃખ છે અમે એ ફેમિલીને બનતી મદદ કરીશું. મને લાગ્યું કે પોલીસ મારી કારનો પીછો પોલીસ કરે છે એટલે અમે ભાગ્યા હતા. મારી સાથે બે ભાઈ અને એક મિત્ર હતો. તેના નામ વૃષભ, દિવ્ય અને પાર્થ છે.