સંસ્કાર નગરી વડોદરા શહેરની 513મો જન્મદિવસ છે. ત્યારે વડોદરાવાસીઓ એની અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે. જેમાં તારીખ 18 નવેમ્બરથી 24 નવેમ્બર દરમિયાન વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
માત્ર સંસ્કારી નગરી નહીં જ પરંતુ વડોદરાને કલાનગરી તરીકે પણ ઓળખાય છે. શહેરના 513મા જન્મદિવસની ઉજવણી વડોદરાવાસીઓ 7 દિવસ સુધી કરવાના છે. જેના આયોજનના ભાગરૂપે વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં અનેક આકર્ષિત હેરિટેજ વોક સહિત પ્રદર્શન અને હાઉસ મ્યુઝિયમનો સમાવેશ થાય છે.
ઐતિહાસિક અને અવનવી ચીજોનું પ્રદર્શન
આ ફેસ્ટિવલમાં પહેલીવાર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન અને ખાણીપીણીના સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં આ વર્ષે 4 વડોદરાવાસીઓ પોતાના ઘરે એમની ઐતિહાસિક અને અવનવી ચીજોને પ્રદર્શિત કરશે. પહેલીવાર વડોદરામાં જુદા જુદા પ્રકારની અવનવી 15 સાઇકલોનું એક્ઝિબિશન થશે. અહીં ‘ ચલતા હૈ’ નામનું ફોટોગ્રાફી પ્રદર્શન પણ યોજાશે. આ બધા પ્રદર્શનો કમ્યૂનિટી સાયન્સ સેન્ટર ખાતે યોજાશે.
હેન્ડમેડ વસ્તુઓનું પ્રદર્શન
વડોદરાની મહિલાઓને પ્લેટફોર્મ આપવા માટે જેતલપુર બ્રિજ નીચેની સ્પીના આર્ટ ગેલેરીમાં આયોજિત મેળા હેન્ડીક્રાફ્ટ્સમાં મહિલાઓએ તૈયાર કરેલી હેન્ડમેડ ચીજો હશે. અહીં ગુજરાતી અને મહાષ્ટ્રીયન વાનગીઓનો સ્વાદ પણ માણવા મળશે. 24મી નવેમ્બરે સવારે ડો. જિતેન્દ્ર ગવળી કમાટીબાગમાં નેચરવોક યોજશે, અલકાપુરીની એચ-10 આર્ટ ગેલેરીમા આર્કિટેક નિલેશ રામીની ફોટોગ્રાફી સહિતનું પ્રદર્શન 19થી 24 દરમિયાન યોજાશે. 19મીએ સાંજે વડોદરાની ઐતિહાસિક ઇમારતો વિશે ચંદ્રશેખર પાટીલના વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
હેરિટેજ ફેસ્ટિવલ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા વડોદરાના ઈતિહાસકાર, આર્ટિસ્ટ અને આર્ટ કૉન્સર્વેટર ચંદ્રશેખર પાટીલ કહે છે, “2015માં અમે વડોદરાનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું. એની પાછળનો મુખ્ય હેતુ યુવાનોને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવાનો છે. કલા, સંગીત, સાહિત્ય, મ્યુઝિક, હેરિટેજને કોઈ પ્રમોટ નથી કરતું. આ ફેસ્ટિવલ દ્વારા અમે એક નવી શરૂઆત કરી. દસ વર્ષથી અમે વડોદરાના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. શરૂઆતના વર્ષોમાં 20 પોગ્રામ થતા હતા. ધીમે ધીમે એમાં વધારો થયો. દર વર્ષે 10 થી 15 નવા લોકો આવે છે. જેમને અમે પ્રોગ્રામ કેવી રીતે કરી શકાય એ પણ શીખવીએ છીએ. મારો મુખ્ય હેતુ વડોદરાના કલ્ચરને પ્રમોટ કરવાનો પણ છે. બધા જ જાતી ધર્મના લોકો અહીં આવે છે. સમગ્ર વડોદરાવાસીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લે છે.”
ઇન હાઉસ મ્યુઝિયમ
આ સિવાય વડોદરાના 4 ઇન હાઉસ મ્યુઝિયમ જોવાનો લહાવો મળશે. જેમાં શુભાંગિ મનોહરનું મોનાલિસા રેસિડેન્સી માંજલપુર ઘૂવડની ફોટોગ્રાફી વિશે, રાજેશ પટેલનું લાકડામાંથી બનેલા ટચુકડા શિલ્પો વિશેકામદાર સોસાયટી , ફતેગંજ ) નું અને અતુલ શાહ ( કોઠી કચેરી મેઇન રોડ નજીકનો ઢાળ ) નું પાણીના ઘડા વિશેનું એક્ઝિબિશન પણ યોજાશે.
ખાસ પ્રકારના પ્રદર્શન
કમ્યૂનિટી સાયન્સ સેન્ટરમાં 5 પ્રદર્શન અને વર્કશોપ યોજાશે. જેમાં વિશ્વપ્રસિદ્ધ પૂર્ણકર શૈલીનું રંગોળી પ્રદર્શન અને વર્કશોપ યોજાશે જે નિઃશુલ્ક છે. પૂણેથી રોહીત ખંડકર તેમણે સ્ટફ કરેલા પ્રાણીઓ અને પક્ષીઓના નમૂના લાવશે. આ પ્રદર્શન પહેલીવાર યોજાશે. વિશ્વામિત્રી નદીના ઇતિહાસ અને તેના મૂળ તથા નદીના વિવિધ ભાગો વિશે સમજણ આપતું એક પ્રેઝેન્ટેશન- એક્ઝિબિશન યોજાશે. જેમાં નદી અને તેને સંબંધિત 22 સ્લાઇડ્સનું પ્રદર્શન હશે. ઉપરાંત ગ્લાસ પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશનમાં વિવિધ થીમ પર આધારિત પેઇન્ટિંગ્સ મુલાકાતીઓને જોવા મળશે. આ પેઇન્ટિંગ્સ કમ્યૂનિટી સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડો. જિતેન્દ્ર ગવલીએ તૈયાર કર્યા છે.