સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ

અમદાવાદઃ રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની વકી છે. વળી, રાજ્યમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદથી 200 તાલુકાઓમાં નદીઓ-નાળા છલકાઈ ગયા છે. સુરત અને આણંદમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં પણ સતત વધારો થતાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. વડોદરામાં પણ સતત પડી રહેલા વરસાદથી વિશ્વામિત્રી નદીની સપાટી વધી રહી છે. જો નદી ભયજનક સપાટી વટાવશે તો વડોદરા પર પણ પૂરનું જોખમ છે.  

સુરતના પુણા ગામની સ્થિતિ ભયજનક

સુરતમાં પડી રહેલા ભારે વરસાદને પગલે પુણા ગામની સ્થિતિ ભયજનક બની છે. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. અવિરત વરસાદને પગલે ઘરોમાં પાણી ઘૂસે એવી શક્યતા છે. સુરતમાં હજી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ભટાર વિસ્તાર પણ જળબંબાકાર

સુરતમાં છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરનો ભટાર વિસ્તાર પણ જળબંબાકાર થઈ ગયો છે. જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં જનજીવન ઠપ થઈ ગયું છે.

નવસારીમાં ચોથા દિવસે વરસાદ

નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. નવસારીના અલગ-અલગ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ગણદેવી તાલુકામાં વેગણીયા ખાડી પર બનાવવામાં આવેલ પુલ છેલ્લા ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ છે.

માધવરાય મંદિર પાણીમાં

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ, અમરેલી જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. દરમિયાન ગીર-સોમનાથની સરસ્વતી નદીમાં પૂર આવતાં માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

ત્રણેય નદીઓમાં પૂર

ગીર-સોમનાથમાં હીરણ, કપિલા અને સરસ્વતીના પાણી ત્રિવેણી સંગમ પર-ત્રણેય નદીઓમાં પૂર આવતાં ત્રિવેણી ઘાટ પાણીમાં ડૂબી ગયો હતો. સરસ્વતી નદીમાં ઘોડાપૂરથી પ્રાચીતીર્થ મંદિર પાણીમાં ડૂબ્યું હતું.

વૃજમી ડેમ ઓવરફલો

છેલ્લા 24 કલાકના વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક ડેમ-ચેકડેમ ઓવરફ્લો થતાં પાણી છોડવામાં આવ્યું હતું. માળિયા હાટીનાનો વૃજમી ડેમ ઓવરફલો થયો હતો. વૃજમી ડેમ ઓવરફલો થતાં બે દરવાજા અડધો ફૂટ ખોલાયા હતા. આ વિસ્તારમાં આવેલાં દુધાળા ગીર, વાંદરવડ, કડાયા, વિશણવેલ, ધણેજ જંગર, ગડુ અને ખોરસા સહિતનાં ગામોને એલર્ટ કરાયાં હતાં.

વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ

વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 23 ફૂટ પર પહોંચી ગઈ છે. વિશ્વામિત્રીની સપાટી વધતાં લોકો ચિંતિત બન્યા છે. વરસાદથી નીચાણવાળા વિસ્તારના લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 23 ફૂટ પર પહોંચી ગઈ છે.

રાવલ ગામ પાંચમી વાર પાણીમાં ગરકાવ

દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પૂર આવ્યાની સ્થિતિ સર્જાઈ છે. દેવભૂમિ દ્વારકાના જામકલ્યાણપુર તાલુકાનુ રાવલગામ વર્તમાન ચોમાસામાં સતત પાંચમી વાર પાણીમાં ગરકાવ થયું છે. પાણી વચ્ચે ટાપુ બની ગયેલ રાવલ ગામમાં ફસાયેલા લોકોને NDRFની ટીમે બચાવ અને રાહત કામગીરી કરીને બચાવ્યા હતા. ચારે બાજુ ફરી વળેલાં પાણીને કારણે રાવલ ગામ જમીન માર્ગે સંપર્કવિહોણું બની ગયું હતું.