અમદાવાદઃ રાજ્યના અમરેલીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લીધે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતાં. ભારે ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી હતી. લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. ચોમાસા પહેલા જ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવતી કાલથી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની ધારણા છે. સાવરકુંડલાના જુનાસાવર, સેઢાવદર, ખેરાળા અને નાળમાં વરસાદ વરસ્યો હતો. બીજી બાજુ ભાવનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
સાવરકુંડલાના વંડા, મેવાસા, શેલણા, વાશિયાળી, ભમોદ્રા સહિતનાં ગામડાંમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના અધિકારીએ દેશના મધ્ય ભાગમાં વંટોળની હાજરી પણ દેશમાં વહેલા ચોમાસાના સંદર્ભમાં સારી નિશાની નથી.
તેમણે જણાવ્યું હતું કે ચોમાસાની પ્રગતિ ધીમી છે તેનો અર્થ એ નથી કે ચોમાસાને બ્રેક વાગી ગઈ છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારતનો ઉત્તર વિસ્તાર પણ પ્રભાવિત થયો છે. આ ડિસ્ટર્બન્સ થોડા પ્રમાણમાં દક્ષિણ તરફ પણ પ્રવેશ કરી રહ્યું છે અને આ ચોમાસાની સામાન્ય લાક્ષણિકતા નથી. અધિકારીએ જણાવ્યું હતું કે 6 જૂન સુધીમાં ચોમાસાનો કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ વગેરે સ્થળોએ પ્રવેશ થઈ જવો જોઈએ. પરંતુ અહીં હજી સુધી વરસાદનું આગમન નથી થયું.
