આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી, પાટણમાં ધોધમાર વરસાદ…

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર, દક્ષિણ, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ આગાહી પહેલાં જ રવિવારે ગુજરાતના અમુક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 26 અને 27મીએ વરસાદનું જોર વધારે રહેશે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે. સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન જિલ્લાના ભીલોડા તાલુકામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો.

પાટણ જિલ્લામાં પણ સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવતાં તેમ જ ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થતાં શહેરીજનો તેમજ રાહદારીઓએ થોડાક અંશે ગરમીથી રાહત મળી હતી. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં આગામી બે-ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે તેમ છે.

સરહદી વાવ અને સૂઈ ગામ તાલુકા પંથકમાં પંદર દિવસ અગાઉ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ ચોમાસું પાક તેમજ ઘાસચારાનું વાવેતર કરેલ પાક સારો હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જો કે પંદર દિવસ થવા છતાં વરસાદ ન થતાં ખેડૂતો મુંઝવણમાં મુકાયા હતા. પરંતુ સોમવારે એકાએક વાતાવરણ પલટાતાં આકાશમાં વાદળો ઘેરાયા અને વરસાદ થવાના એંધાણ સર્જાયા હતા.

વઢિયારના વાતાવરણમાં આજે ફરી બદલેલ મિજાજ જોવા મળ્યો હતો. જેમાં એક સપ્તાહના વિરામ બાદ આજે ફરી એકવાર વહેલી સવારે વરસાદી માહોલ વચ્ચે છાંટા પડ્યા હતા. આખો દિવસ વાતાવરણ વાદળછાયું અને વરસાદી માહોલ પ્રકારનું રહ્યું હતું. છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લેતાં ખેડૂતો વાવણીના કામે લાગ્યા છે. ત્યારે ફરી એકવાર વાદળો ઘેરાતાં ધરતી પૂત્રો ખેતરોમાં વાવણી બાબતે મનોમંથન કરી રહ્યા છે.