પાણીની પીડા જાણતાં ગુજરાતે સતત 3જા વર્ષે મેળવ્યો પહેલો નંબર, જળ વ્યવસ્થાપનમાં…

ગાંધીનગર: નીતિ આયોગે જાહેર કરેલા કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ ર.૦માં ગુજરાતે જળ વ્યવસ્થાપન – વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમ મેળવ્યો છે. કેન્દ્રીય જલશકિતપ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. રાજીવકુમારે તાજેતરમાં નવી દિલ્હીમાં આ અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં વિકાસ સાથે પર્યાવરણ સંતુલન પ્રણાલિ જાળવી રાખવાના હેતુસર સાયન્ટીફીક વોટર મેનેજમેન્ટની સમયાનુકુલ આવશ્યકતા જોતાં જલશકિત મંત્રાલયની પહેલરૂપ રચના કરી છે. આ મંત્રાલયે જળ સંરક્ષણ અને જળ સુરક્ષા માટે જળશકિત અભિયાનની શરૂઆત કરીને પાણીના પ્રશ્ને પડકારોનો સામનો કરવાના સઘન પ્રયાસો આદર્યા છે. આ સંદર્ભમાં નીતિ આયોગે ર૦૧૮માં સૌ પ્રથમવાર દેશના રાજ્યો અને સંઘ પ્રદેશોના જળ પ્રબંધન, જળ સુરક્ષા અને જળ ચક્રના વિભિન્ન ઉપાયો-પ્રયોગોના અભ્યાસના આધારે કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષની શરૂઆત કરી હતી.

નીતિ આયોગના આ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષ ર.૦ માં ર૦૧૬-૧૭ના આધાર વર્ષ સામે ર૦૧૭-૧૮ માટે દેશના રાજ્યોને જળપ્રબંધન ક્ષેત્રે ગુણ અને ક્રમ આપવામાં આવે છે. આ રિપોર્ટ અનુસાર કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં ગુજરાત ૭પ ગુણાંક સાથે અગ્રીમ કહ્યું છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ર૦૧૮માં રાજ્યના સ્થાપના દિન પહેલી મેએ મુખ્યપ્રધાને રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનના મંડાણ કરીને ગુજરાતે બે વર્ષમાં ર૩ હજાર લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારી છે. આ અભિયાનની સફળતાની પણ નીતિ આયોગે આ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં સકસેસ સ્ટોરી તરીકે નોંધ લીધી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં પ્રથમ ક્રમની ગુજરાતની આ અગ્રેસરતા માટે સંબંધિત વિભાગોને સર્વગ્રાહી ઉત્કૃષ્ટ કામગીરી માટે  અભિનંદન પાઠવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]