ગણેશોત્સવઃ પરમિટમાં દર્શાવેલ સ્થળને બદલે બીજે મૂર્તિ વિસર્જન કરવા પર પ્રતિબંધ

અમદાવાદ- અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે પરમિટમાં દર્શાવેલ સ્થળ કરતાં અન્ય સ્થળે મૂર્તિ વિસર્જન કરવા પર તથા પરમિટમાં દર્શાવેલ રૂટ કરતાં અન્ય રૂટ પર શોભાયાત્રા કાઢવા પર પ્રતિબંધ છે.

ગણેશ મહોત્‍સવ દરમિયાન ભગવાન ગણેશજીની પ્રતિમાઓ સ્‍થાપિત કરીને તેની ભવ્‍ય ઉજવણી કરવામાં આવતી હોય છે અને તે પછી તે મૂર્તિઓનું વિસર્જન નદી/તળાવમાં કરવામાં આવતું હોય છે. આ મૂર્તિઓના નદી/તળાવમાં વિસર્જનથી પર્યાવરણને નૂકસાન પહોંચતું હોય છે. આથી અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પી.ઓ.પી.(પ્‍લાસ્‍ટર ઓફ પેરિસ)ની મૂર્તિઓ નદી/તળાવના કિનારે પૂજનવિધિ કરી કિનારે રાખવી. તેને નદી કે તળાવમાં પધરાવવી નહીં તેમ જણાવ્યું છે. મૂર્તિની બનાવટમાં બીજા ધર્મની લાગણી દુભાઇ તેવા ચિન્‍હો કે નિશાની લગાવવા પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

ફાઈલ ચિત્ર

આ ઉપરાંત ગણેશજીની મૂર્તિઓ સ્‍થાપના દિવસ બાદ મૂર્તિકારો વધેલી તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકી શકશે નહીં, ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિત ‘’૯’’ ફૂટથી મોટી તથા પી.ઓ.પી ની મૂર્તિ બેઠક સહિત ‘’૫’’ ફૂટથી મોટી બનાવવાં, વેચવા, વિસર્જન અને સ્‍થાપના કરવા પર પણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત ધાર્મિક તહેવારોમાં ઇકો ફ્રેન્‍ડલી મટીરીયલ્‍સમાંથી મૂર્તિઓ બનાવી શકાશે અને તેમાં કુદરતી કલરનો જ ઉપયોગ કરી શકાશે.

પરમિટમાં દર્શાવેલ સ્થળ કરતા અન્ય સ્થળે મૂર્તિ-વિસર્જન કરવા પર તથા પરમીટમાં દર્શાવેલ રૂટ કરતા અન્ય રૂટ પર શોભાયાત્રા કઢવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. મૂર્તિ વિસર્જન માત્ર મ.ન.પા. દ્વરા નિર્મિત કુંડમાંજ કરી શકાશે. સમગ્ર અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત વિસ્‍તારમાં આ પ્રતિબંધ તા. ૨૨-૦૮-૨૦૧૯થી તા. ૧૩-૯-૨૦૧૯ના ૨૪:૦૦ કલાક સુધી અમલી રહેશે તેમ પોલીસ કમિશનરે જાહેરનામામાં જણાવાયું છે.