સોનાચાંદીનો ભાવ રેકોર્ડબ્રેક ઊંચાઈએ, નવી ઘરાકીનો અભાવ

અમદાવાદ– વિદેશના મજબૂત સંકેતો પાછળ અને સ્થાનિક બજારમાં વાયદા બજારમાં સોનાચાંદીના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ 1531 ડૉલર અને સિલ્વરનો ભાવ 17.62 ડૉલર ચાલી રહ્યો છે, જેને પગલે સોનાચાંદીનો ભાવ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયો હતો. સ્થાનિક બજારમાં 999 ટચ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 40,000ની સપાટી કૂદાવી ગયો હતો અને ચાંદીનો ભાવ એક કિલોનો રૂપિયા 46,000 ઉપર ગયો હતો.

મુંબઈમાં પણ 24 કેરેટ સોનાનો ભાવ સોમવારે 40,040 પ્રતિ દસ ગ્રામ થઈ ગયો હતો. જે વીતેલા સપ્તાહે 38,770 હતો. 22 કેરેટ સોનાનો ભાવ રૂ.38,720થી વધી રૂ.39,890 થયો હતો. મુંબઈમાં એક કિલોએ ચાંદીનો ભાવ રૂ.45,015થી વધી રૂ.46,380 બોલાયો હતો. જયપુરમાં પણ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.40,020 થયો હતો. અને ચાંદીનો ભાવ રૂ.46,400 થયો હતો.

અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.40,000 અને ચાંદીનો ભાવ રૂ.46,400 થયો હતો. આ ભાવ જીએસટી સાથેનો છે. વાયદા બજારમાં એમસીએક્સમાં સોનાનો ભાવ સોમવારે રૂ.39,340 નવી રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયો હતો.

શ્રાવણ મહિનામાં સાત-આઠમ પર સોનાચાંદીના ભાવ ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. આ તહેવારોમાં ઊંચા ભાવને કારણે સોનાચાંદીમાં નવી ઘરાકીનો તદન અભાવ જોવાઈ રહ્યો છે. શ્રાવણ મહિના બાદ ભાદરવો, નવરાત્રિ અને દીવાળીના તહેવારો આવશે. તહેવારોની નવી ઘરાકી આવશે, પણ ઊંચા ભાવ હોવાને કારણે ખપપૂરતી ઘરાકી રહેશે. જો કે દિવાળી પછી લગ્નસરાની સીઝન પણ આવી રહી છે. પણ સોનાચાંદીના રેકોર્ડ ભાવને કારણે ખરીદી અટકી ગઈ છે. જ્વેલરોના કહેવા પ્રમાણે ભાવ ઘટશે તો નવી ઘરાકી નીકળશે. અન્યથા લોકો જૂનું સોનું ચાંદી વેચીને નવા દાગીના ખરીદશે.