મેટ્રોથી સજ્જ અમદાવાદને રખડતાં ઢોરના નિયંત્રણનો ઉકેલ નથી મળતો…

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદની વસતી કૂદકેને ભૂસકે વધી રહી છે ત્યારે તેની કેટલીક એવી સમસ્યાઓ છે જેનો સામનો કરવો દિનપ્રતિદિન અઘરો બનતો જઇ રહ્યો છે. અપાર વાહનો જ્યારે રોડ પર દોડી રહ્યાં છે ત્યારે પૂરપાટ વાહન સામે અચાનક આવી જતાં ઢોરને કારણે અકસ્માતો પણ વધી રહ્યાં છે. એમાંય અમદાવાદમાં ચોમાસાની ઋતુ વરસાદ લાવે એટલે ખાડા,ગાબડાં, ગંદકી, ભૂવા, કચરાના ઢગ, મચ્છરોનો ઉપદ્રવ અને ઋતુના રોગચાળાના સમાચારો પણ ચમકે. ધમધમતાં આ શહેરની સડકો પર રખડતાં ઢોરનો ત્રાસ ચોમાસામાં નગરજનોએ અવશ્ય વેઠવો પડે છે. ચારેબાજુ વિકસતા અમદાવાદમાં આસપાસના કંઇક ગામડાં ભળી ગયાં છે. 

નવા વિસ્તારોની સાથે નવા રોડ પણ બની ગયાં. એ માર્ગો પર ગટર , પાણી અને અન્ય નવીનીકરણ થયાં છે અને સતત થઇ રહ્યાં છે. પરંતુ  હજુય રખડતાં ઢોર માર્ગોની વચ્ચે જ જોવા મળી રહ્યાં છે. જે માર્ગને નવો બનાવી એની વચ્ચેના ડિવાઇડરમાં વનસ્પતિ, ઝાડ, છોડ બ્યુટિફિકેશન-ગ્રીનરી કે એનવાયરમેન્ટ માટે રોપવામાં આવે છે એને રખડતી ગાયો અને આખલા આરોગી જાય છે.

શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં રખડતાં ઢોર અડિંગો લગાવીને બેસી જાય છે. અમદાવાદ શહેર મહાનગરપાલિકાના કર્મચારીઓ જ્યારે ઢોર પકડવા જાય છે ત્યારે એમની પર હુમલા થવાના ઘણાં બનાવ બન્યાં છે. રખડતાં ઢોર જે વિસ્તારમાં હોય એ વિસ્તારમાં નિકળેલી ઢોર પકડતી-નિયંત્રણ રાખતી ટીમ પહેલાં જ કેટલાક લોકો પહોંચી ઢોર ભગાડી દેતા હોય છે.

બી.આર.ટી.એસ., મેટ્રો, આધુનિક સી.સી.ટી.વી થી સજ્જ સલામતી માટે અને સ્વચ્છતા તરફ આગળ જઇ રહેલું અમદાવાદ રખડતાં ઢોર અને અસંખ્ય કૂતરાંના ત્રાસથી ત્રસ્ત છે. રિવરફ્રન્ટ, નવા ફ્લાય ઓવર અન્ડર પાસ સાથે આધુનિક સ્માર્ટ સિટી તરફ આગળ ધપતા અમદાવાદને રખડતાં ઢોરને કેવી રીતે નિયંત્રણમાં રાખવા એનો ઉકેલ નથી મળતો…!!

અહેવાલ-તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]