ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે વરસાદના કારણે કપાસ, મગફળી, સોયાબીન, મરચા, ડુંગળી સહિતનાં તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું છે. આ દરમિયાન વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના બે મોટા યાર્ડે મોટો નિર્ણય લીધો છે. જસદણ માર્કેટ યાર્ડ મંગળવારથી બંધ રાખવાની જાહેરાત કરી છે. તો ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઈ છે.
રાજકોટનું જસદણ માર્કેટ યાર્ડ 22મી ઓક્ટોબરે બંધ રહેશે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીના પગલે અને ખેડૂત અને વેપારીની જણસી વરસાદમાં ન પલળે તે માટે યાર્ડે આ નિર્ણય કર્યો છે. હવામાન વિભાગ તરફથી નવી કોઈ જાહેરાત ન થાય ત્યાં સુધી યાર્ડ બંધ રહેશે. આ બાબતે યાર્ડે ખેડૂતોને સૂચના પણ આપી દીધી છે. આ ઉપરાંત ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની ઢગલાબંધ આવક થઈ રહી છે. વરસાદી વાતાવરણ અને યાર્ડમાં જગ્યા ન હોવાથી ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ આગામી સમયમાં માર્કેટ ખુલતા જ્યારે પણ ખેડૂતો મગફળી લઈને યાર્ડમાં આવે તો મગફળી સૂકવીને લાવવા ખેડૂતોને અપીલ કરાઈ છે. નોંધનીય છે કે, માર્કેટ યાર્ડમાં એક લાખથી વધુ મગફળીની ગુણીની આવક નોંધાઈ છે. ભારે વરસાદને પગલે જેતપુર, લોધિકા બગસરા પંથકમાં પણ માવઠાનાં કારણે ખેતી પાકનો સોંથ વળી ગયો છે. કપાસ, મગફળી, સોયાબીન, મરચા, ડુંગળી સહિતનાં તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું હોવાથી તાકિદે સર્વે કરાવીને પીડિત ખેડૂતોને વહેલી તકે યોગ્ય સહાય વળતર ચૂકવવા માંગ ઊઠી છે.