ઉત્તર ગુજરાતમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું જામ્યું છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મન મૂકીને વરસ્યા પછી હવે વરસાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસી રહ્યો છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યના 233 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જોકે હવામાન વિભાગ દ્વારા હજુ પણ બે દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ વાપીમાં સાત ઇંચ વરસાદ વરસ્યો છે.  વિભાગે રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 1.75 મીટરનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 125.79 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ 2.92 લાખ  ક્યુસેક પાણીની આવક થઈ છે. મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના પણ તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

રાજ્યમાં વરસેલા સારા વરસાદને પગલે ગિરનાર સોળે કળા ખીલી ઊઠ્યો છે. ગીર સોમનાથમાં. જમજીર ધોધનાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયાં છે, જેથી અહીં મોટી સંખ્યામાં પર્યટકો પણ ઊમટી પડ્યા છે. આ તરફ અરવલ્લીના ભિલોડામાં આવેલા સુનસર ધોધમાં પણ પ્રવાસીઓ ધસારો છે.

હવામાન વિભાગે વધુ ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી  છે. વિભાગે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.