રાજ્યનાં 207 જળાશયોમાં 60 ટકા જળસંચયઃ નર્મદા ડેમમાં 63 ટકા

અમદાવાદઃ રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યનાં જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. રાજ્યના મહત્ત્વના ૨૦૭ જળ પ્રોજેક્ટોમાં ૨૫ જુલાઈ સુધીમાં ૬૦.૦૮ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૧૧,૫૫૫ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહશક્તિના ૬૩.૩૨ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩,૨૪,૪૯૪ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૫૮.૧૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

રાજ્યનાં ૩૫ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે, જ્યારે ૪૧ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકાની વચ્ચે, ૩૩ જળાશયો (સરદાર સરોવર સહિત)માં ૫૦ ટકાથી ૭૦ ટકાની વચ્ચે, ૪૧ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકાની વચ્ચે, ૫૬ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતનાં ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતનાં ૧૩ જળાશયો, કચ્છનાં ૨૦ જળાશયો અને સૌરાષ્ટ્રનાં ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યનાં ૩૫ જળાશયો ૧૦૦ ટકાથી વધુ જ્યારે ૧૮ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ પર છે.  રાજ્યનાં આઠ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતાં એલર્ટ પર તથા ૧૪ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતાં સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.