વલસાડમાં ભારે તો ઉત્તર ગુજરાતમાં વરસાદનો ધમાકેદાર પ્રારંભ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું મંથર ગતિએ આગળ વધી રહ્યું છે. ચોમાસું હાલ દક્ષિણ અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વલસાડમાં મુશળધાર વરસાદ વરસ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને અંબાજીમાં વરસાદ પડ્યો છે.  રાજ્યના 30 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે. 

વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં સાડાચાર ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ વરસાદ વલભીપુરમાં નોંધાયો છે. વલસાડ ઉપરાંત સુરત, વાપી, ડાંગમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહીને પગલે વલસાડ જિલ્લાના મોટા ભાગનાં ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. જેને પગલે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડના પારડી સાંઢાપોર, ગુંદલાવ, કલવાડા, સરોણસહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

વલસાડમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જોકે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો તો ઠેર-ઠેર ટ્રાફિક જામ પણ થયો હતો.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા કાળાં ડિબાંગ વાદળો છવાયા બાદ અંબાજીમાં એકાએક વરસાદની શરૂઆત થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 30 જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે ભાવનગરના વલ્લભીપુરમાં 37 એમએમ એટલે કે આશરે દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યના 20 તાલુકામાં એક એમએમથી લઈને 8 એમએમ સુધી વરસાદ નોંધાયો હતો.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે.