ગુજરાતમાં ગરમીનો વધ્યો પ્રકોપ, તાપમાનનો પારો 40 પાર જવાની શક્યતા

અમદાવાદ: ગુજરાતમાં ગરમી જોર આજ થી વધ્યું છે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત અહીં તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી સુધી જવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. બુધવારે રાજ્યમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. એપ્રિલ મહિનો શરૂ થતા જ રાજકોટમાં ગરમી અગનગોળા વરસાવી રહી છે. 1 એપ્રિલે રાજકોટમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ પ્રમાણે આગામી સાત દિવસ દરમિયાન રાજકોટમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આંકડાઓનું માનીયે તો રાજકોટમાં વર્ષ 2017માં એપ્રિલ મહિનામાં મહત્તમ તાપમાન 44.8 નોંધાયું હતું.

ગુજરાતના શહેરોમાં તાપમાનના પારમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે અમદાવાદ અને વડોદરામાં 39 ડિગ્રી, અમરેલીમાં 41 ડિગ્રી, ભાવનગર અને સુરતમાં 38 ડિગ્રી, ભુજ અને રાજકોટમાં 43 ડિગ્રી, ડીસામાં 42 ડિગ્રી, નલિયા અને પોરબંદરમાં 40 ડિગ્રી નોંધાયું છે, જ્યારે દ્વારકા અને ઓખામાં તાપમાન ક્રમશઃ 30 અને 32 ડિગ્રી રહ્યું. 2 એપ્રિલે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી, રાજકોટમાં 42.1 ડિગ્રી, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી, ભુજમાં 41.4 ડિગ્રી, ડીસામાં 41.3 ડિગ્રી અને વડોદરા, પોરબંદરમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દ્વારકા અને દીવમાં તાપમાનની તીવ્રતા ઓછી રહી હતી, જ્યાં અનુક્રમણિક 30.4 અને 33.0 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યભરમાં ઉનાળાની કડકડતી ગરમીનો પ્રભાવ વર્તાઈ રહ્યો છે, જેથી ગરમીથી બચવા સાવચેતી રાખવાની તજજ્ઞો સલાહ આપી રહ્યાં છે.