અમદાવાદ: પાંજરાપોળ ક્રોસ રોડથી આઈઆઈએમ, અમદાવાદ સુધી બ્રીજ નિર્માણને લઈ AMC અને પાંજરાપોળ સ્થાનિકો સામે-સામે આવ્યા છે. ત્યારે આ વિવાદમાં આખરે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની રિટ અરજી દાખલ થઈ છે. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે બહુ ગંભીર અને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ગ્રીન કવર લગભગ ખતમ થવા પર છે અને એ દિવસો દૂર નથી કે જ્યારે અમદાવાદ સિમેન્ટ-કોંક્રિટનું જંગલ બની ગયું હશે.
હાઇકોર્ટે વૃક્ષછેદન, ટ્રાફિકની સમસ્યા, અકસ્માત, હેલ્મેટ સહિતના અન્ય મુદ્દાઓને પણ અરજીમાં આવરી લઈ જરૂરી સુધારો કરવા પણ અરજદારપક્ષને નિર્દેશ કર્યો હતો. આ વિસ્તારના 20 જેટલા સ્થાનિક રહીશો દ્વારા કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં સિનિયર ઍડ્વોકેટ મીહિર ઠાકોર દ્વારા એ મતલબની રજૂઆત કરાઈ હતી કે, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા પાંજરાપોળ ક્રોસ રોડથી આઇઆઇએમ સુધી વઘુ એક ફલાયઓવર બ્રિજ બનાવવાની તજવીજ હાથ ધરાઈ છે પરંતુ વાસ્તવમાં આ બ્રિજની કોઈ જરૂરિયાત જ નથી. 275 મીટરના અંતરે એક બ્રિજ પહેલેથી જ છે, તેથી આ નવા ફલાયઓવરની કોઈ જરૂરિયાત નથી. બીજું, કે અમ્યુકો સત્તાવાળા દ્વારા આ સૂચિત ફલાયઓવરને લઈને આ વિસ્તારના વર્ષો જૂના અને પ્રાચીન વૃક્ષોને આડેધડ રીતે કાપવા જઈ રહ્યા છે. જેમાં ચારથી વઘુ મોટા અને જૂના વૃક્ષો કાપી પણ નાખ્યા છે, જેને લઈ સ્થાનિક રહીશોએ અને આ રોડ પરથી અવરજવર કરતાં પર્યાવરણ પ્રેમીઓમાં ભારે દુઃખ અને આઘાતની લાગણી પ્રસરી છે.
આ સમગ્ર રોડવાળો વિસ્તાર ગ્રીન કવર છે અને વર્ષો જૂના અને મોટા ઘટાદાર વૃક્ષોના ગ્રીન કવરથી એકદમ હરિયાળો છે અને અમ્યુકો વિકાસના ઓઠા હેઠળ વર્ષો જૂના વૃક્ષોના ગ્રીન કવર અને હરિયાળી ક્રાંતિનું નિકંદન કાઢવા માંગે છે, જે કોઈપણ સંજોગોમાં યોગ્ય નથી. વાસ્તવમાં આ રોડ પર છેલ્લા દસ વર્ષમાં ટ્રાફિક ઘટ્યો છે, 2012ના વર્ષ કરતાં 2020માં આ રોડ પરનો ટ્રાફિક 15 ટકા સુધી ઘટ્યો છે. અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટ સમક્ષ ચોંકાવનારો ઘટસ્ફોટ કરાયો હતો કે, સમગ્ર દેશમાં અમદાવાદમાં હરિયાળા વૃક્ષોનું ગ્રીન કવર સૌથી ઓછું છે. વર્ષ 2011માં 17.96 સ્કવેર કિલોમીટર ગ્રીન કવર હતું, જે ઘટીને અત્યારે માત્ર 9.41 સ્કવેર કિ.મી ગ્રીન કવર બચ્યું છે. આમ, 2011થી લઈ અત્યારસુધીમાં અમદાવાદ શહેરમાં 48 ટકા ગ્રીન કવર ઘટ્યું છે, જે બહુ આઘાતજનક કહી શકાય. અમદાવાદની સરખામણીએ બેંગ્લોર, ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં ગ્રીન કવર વઘુ છે.