અમદાવાદ: વર્લ્ડ થિયેટર ડે (૨૭ માર્ચ) નિમિત્તે રાજધાની અને ગુજરાતના કેટલાક કલાકારોએ ઐતિહાસિક પ્રતિષ્ઠિત નાટક ‘મેના ગુર્જરી’ વાચિક્મ રૂપે ઓનલાઇન ભજવ્યું હતું. ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે કાર્યરત સુરત, દિલ્હી અને ભરૂચના કલાકારોએ ગુજરાતી નાટ્યપરંપરાના ભવ્ય ઇતિહાસને સલામભેર વધાવતાં ઝૂમ વર્ચ્યુઅલ મિટિંગ માધ્યમે આ પ્રસ્તુતિ કરી હતી.
‘મેના ગુર્જરી’ના પાત્રમાં સૂરતથી યામિની વ્યાસ તથા ‘શાહજાદા’ તરીકે નરેશ કાપડિયાએ જોરદાર સંવાદો રજૂ કર્યા હતા. ભરૂચથી સરોજ રાણાએ ‘રૂપા’ તરીકે જ્યારે દિલ્હીથી ક્ષમા સંઘવીએ ‘શોભા’, વંદના પુરાણીએ ‘સાસુ’ તેમ જ બિંદુ મિશ્રાએ ‘અમથીકાકી’ની ભૂમિકા ભજવી. ‘મારી ભાષા ગુજરાતી’ આભાસી મંચ પર રજૂ થયેલ આ કાર્યક્રમમાં સંયોજક ભાગ્યેન્દ્ર પટેલે ‘હીરા’નું પાત્ર તેમ જ સૂત્રધારની ભૂમિકા અદા કરી હતી. નરેશ કાપડિયાએ મેના ગુર્જરી ઐતિહાસિક નાટકની ભવ્યતા વર્ણવી હતી અને એમાં ગુર્જર નારીની વીરતા અને ખુમારી વિશે પ્રકાશ પાડ્યો હતો.
ભાગ્યેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં રસિકલાલ પરીખ રચિત નાટક આદ્ય અને અનન્ય સ્થાન ધરાવે છે. આ નાટકની મહત્તા વર્ણવતાં તેમણે ઉલ્લેખ કર્યો કે આ એકમાત્ર ગુજરાતી નાટક રાષ્ટ્રપતિ ભવનમાં રજૂ થયું હતું. પટેલે કહ્યું કે ગુજરાતી રંગભૂમિની ભવ્યતા ભારે ગૌરવવંત છે અને એના જતન માટે દંતકથા સમાન બની ગયેલ નાટકોને વારંવાર યાદ કરાય અને ભજવાય એ જરૂરી છે. આ પ્રસંગે કાર્યક્રમમાં જોડાયેલ ગુજરાતી અને બિનગુજરાતી ભાવકોએ પણ આવા જ ઉદગાર વ્યક્ત કર્યા હતા.