અમદાવાદ: ગુજરાતી અભિનેતા દીપક દવેનું હૃદયરોગના હુમલાને કારણે ન્યુયોર્કમાં અકાળે નિધન થયું છે. દીપક દવે જાણીતા ગુજરાતી કવિ, નાટ્યલેખક, નવલકથાકાર અને ‘જન્મભૂમિ’ અને ‘પ્રવાસી’ અખબારોના ભૂતપૂર્વ તંત્રી સ્વ. હરિન્દ્ર દવેના પુત્ર હતા. દીપક દવેએ ન્યુયોર્ક સ્થિત ભારતીય વિદ્યા ભવનની ઑફિસમાં અંતિમ શ્વાસ લીધા હતા.
દીપક દવેના નિધનને કારણે મનોરંજન જગતમાં પણ શોક વ્યાપી ગયો છે. બોલીવુડ ચરિત્ર અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કર્યું છે અને દીપક દવે સાથેની પોતાની તસવીર શેર કરી છે.
ઉલ્લેખનીય છે કે દીપક દવેએ 15 ટીવી સીરિયલ અને 9 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે 70થી વધુ નાટકોમાં પણ અભિનય કર્યો હતો જેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષાના નાટકોનો સમાવેશ થાય છે. દીપક દવેએ VO (વોઈસઓવર) આર્ટીસ્ટ અને ડબિંગ આર્ટીસ્ટ તરીકે પણ ખૂબ નામના મેળવી હતી.
દીપક દવેના ‘ચિંગારી’ નાટકને દર્શકોએ ખૂબ વખાણ્યું હતું. ભારતીય વિદ્યા ભવન, યુએસએમાં દીપક દવેએ મેનેજર ઓફ પ્રોગ્રામ્સ તરીકે કામ શરૂ કર્યું હતું અને વર્ષ 2008થી તેઓ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદ સંભાળી રહ્યા હતા.