ગુજરાત શહેરી નક્સલીઓ સામે માથું નહીં નમાવેઃ PM મોદી

અમદાવાદઃ વડા પ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમણે ભરૂચ જિલ્લામાં દેશના પહેલા બલ્ક ડ્રગ પાર્કની આધારશિલા રાખી હતી. તેમણે ત્યાં એક સભાને સંબોધતાં કહ્યું હતું કે શહેરી નક્સલી રૂપ બદલીને ગુજરાતમાં પ્રવેશવાના પ્રયાસ કરી રહ્યા છે, પણ રાજ્ય તેમને યુવાઓનું જીવન તબાહ કરવા પ્રવેશવા નહીં દે. આપણે બાળકોને શહેરી નક્સલીઓથી સાવધાન કરવા જોઈએ. તેમણે દેશને તબાહ કરવાનું બીડું ઉઠાવ્યું છે. તે વિદેશી તાકતોના એજન્ટ છે. ગુજરાત તેમની સામે માથું નહીં ઝુકાવે. ગુજરાત તેમને તબાહ કરી દેશે.

આ શહેરી નક્સવાદીઓએ સરદાર પટેલની નર્મદા ડેમના પ્રોજેક્ટને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમના સપનાને સાકાર કરવા માટે કોર્ટમાં 40-50 વર્ષ ચક્કર લગાવ્યાં.

વડા પ્રધાને ભરૂચમાં એક નવા એરપોર્ટનો આધારશિલા મૂકતાં કહ્યું હતું કે રાજ્યમાં ડબલ એન્જિનની સરકારને કારણે વિકાસની એક નવી ગતિ મળી છે. નરેન્દ્ર, ભૂપેન્દ્રની ડબલ એન્જિનવાળી સરકારે છે તો એરપોર્ટનું કામ ઝડપથી પૂરું થશે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ નિષ્ક્રિય દેખાય છે, પણ તે ચૂપચાપ ગામોમાં જઈ રહી છે અને લોકોને ભાજપ વિરુદ્ધ મત આપવા મનાવવાના પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસીઓને પૂછો કે શું તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા છે- મોટું દિલ રાખીને અને સરદાર પટેલના સ્મારક પર જાઓ, એમ તેમણે કહ્યું હતું.