ગુજરાતઃ નવા નેતાની પસંદગીની કવાયત તેજ, 20મીએ થઇ શકે જાહેરાત

અમદાવાદ-ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 જીતી લીધાં પછી ભારતીય જનતા પક્ષના મોવડીમંડળે હજુ સુધી સીએમ પદ કોને મળશે તે માટે મગનું નામ મરી પાડ્યું નથી. જોકે અંદરખાને પક્ષ નેતૃત્વ ફૂંકીફૂંકીને નવા પ્રધાનમંડળને આકાર આપવાના કામે લાગી ગયું છે.કોબા સ્થિત પક્ષ કાર્યાલય કમલમમાં નવી સરકારના ગઠનની કસરતો ખેલાઇ રહી છે. હાલની સ્થિતિમાં સીએમ પદે વિજય રુપાણીને યથાવત રાખવાની વાત સામે આવી રહી છે. ચૂંટણીપ્રચાર દરમિયાન પણ અમિત શાહે સ્પષ્ટ કહ્ું હતું કે રુપાણી અને નિતીનભાઇના ચૂંટણી લડવામાં આવી રહી છે ત્યારે જીતનો સહેરો પણ તેમના મુખડે મઢાશે. નિતીન પટેલને પણ નાયબ સીએમ તરીકે રાખી અથવા મહત્ત્વના ખાતાં તેમને આપી શકે છે.

આ ઉપરાંત પ્રચાર દરમિયાન અમુક જૂથ મનસુખ માંડવિયાને નવા મુખ્યપ્રધાનનો તાજ પહેરાવવા ઇચ્છા રાખતાં જોવા મળ્યાં હતાં કારણ કે તેઓ પણ મોદી-શાહની જોડીના પસંદગીપાત્ર છે.ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં મળેલી સારી જીતમાં પણ તેમનો ફાળો રહ્યો હોવાનું માનવામાં આવે છે.પાટીદાર આંદોલનને ખાળવામાં તથા સૂરતના વેપારીવર્ગને ભાજપ તરફ પાછો વાળવામાં સારી ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમ જ માંડવીયાની કેન્દ્રીયપ્રધાન તરીકે સ્વચ્છ અને સક્રિય કામગીરી, સમર્પિત કાર્યકર્તાની ઓળખ પણ જમાપાસે છે.ભાવનગરમાં અચ્છા પ્રભારીની ભૂમિકા ભજવી ત્યાં પણ પક્ષને જીતાડ્યો તે પણ માંડવીયાને નજરઅંદાજ ન કરાય તેવો મુદ્દો છે

પક્ષ નેતૃત્વે હાલ તો કેન્દ્રીય નેતાઓ અરુણ જેટલી અને સરોજ પાંડે ગુજરાત આવી રહ્યાં છે અને સીએમ કોણ તેનો નિર્ણય 20 ડીસેમ્બર કે તે પછી જાહેર કરવામાં આવી શકે છે.