રાજ્ય વિધાનસભામાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ વિધેયક પસાર

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પંદરમી વિધાનસભાના સત્રમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ બિલ-૨૦૨૩ લાવવામાં આવ્યું હતું. જેને બહુમતી સાથે વિધાનસભામાંથી પસાર કરવામાં આવ્યું છે.

આ એક્ટ અંતર્ગત વડોદરાની ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી, આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી, સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, કચ્છમાં આવેલી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને સમાવિષ્ટ કરવામાં આવી છે.

આ એક્ટની જોગવાઈઓથી ૧૧ પબ્લિક યુનિવર્સિટીની સ્વાયત્તા,ગુણવત્તા અને સંચાલન શક્તિમાં વધારો થશે, તેમ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે  યુનિવર્સિટીના સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડમિક કાઉન્સિલની ભૂમિકા મહત્વની બની રહેશે.

એક્ટની મહત્વની જોગવાઈ

  • યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે
  • એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકેપાંચ વર્ષ ફરી વખત નિમણૂંક કરી શકાશે.
  • યુનિવર્સિટીના સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડમિક કાઉન્સિલ મહત્વની ભૂમિકા ભજવશે
  • આ એક્ટ દ્વારા ૧૧ યુનિવર્સિટીમાં પ્રવેશ, અભ્યાસ અને પરીક્ષા પદ્ધતિમાં એકસૂત્રતા આવશે
  • રાજ્યની ૧૦ પબ્લિક યુનિવર્સિટીઓમાં ચાન્સેલરપદે રાજ્યપાલશ્રી રહેશે :
  • વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ચાન્સેલર અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરપર્સન પદે શ્રીમતી શુભાંગિની રાજે ગાયકવાડ સ્થાન શોભાવશે
  • અધ્યાપકો, આચાર્યો, યુનિવર્સિટીના પ્રોફેસર, અધ્યક્ષોની નિમણૂકમાં ૩૩ ટકા મહિલા સભ્યોની જોગવાઈ
  • NEP-2020ની જોગવાઈઓને કેન્દ્રમાં રાખીને આ એક્ટ તૈયાર કરાયો
  • યુનિવર્સિટીઓમાં સેનેટ અને સિન્ડિકેટને સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ કાર્યરત બનશે.