ગુજરાતમાં રાજય સ્તરીય મહિલા સુરક્ષા સમિતિની રચના કરાશે : હર્ષ સંઘવી

ગુજરાતમાં ટૂંક સમયમાં રાજય સ્તરીય મહિલા સુરક્ષા સમિતિની રચના કરવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીના જવાબમાં આ વાત કહી હતી. પ્રશ્નકાળ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાની સમિતિઓની રચના કરવામાં આવી છે. રાજ્ય સ્તરીય સમિતિની રચના કરવા માટે 15 દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. હાલ આ સમિતિની રચના અંગે વિચારણા ચાલી રહી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના જવાબ બાદ ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીએ ગૃહ મંત્રાલયના રિપોર્ટને ટાંકીને કહ્યું કે રાજયમાં દર વર્ષે બળાત્કારની 550 ઘટનાઓ બને છે. દર મહિને 45 મહિલાઓ બળાત્કારનો શિકાર બને છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે મહિલાઓની સુરક્ષા માટે એક સમિતિ કેમ બનાવી નથી? કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય શૈલેષ પરમારે પણ પૂછયું હતું કે રાજ્ય સરકાર આ સમિતિ કયારે બનાવશે? જેના જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું કે સમિતિની રચના 2014 અને 2017માં કરવામાં આવી હતી પરંતુ તેનો સમય પૂરો થઈ ગયો છે. મહિલાઓની સુરક્ષા માટે ટૂંક સમયમાં આ સમિતિની રચના કરવામાં આવશે.

ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર કોઈપણ સંજોગોમાં રાજ્યમાં મહિલાઓ પર થતા અત્યાચારને સહન કરશે નહીં. શકય તેટલી મહિલાઓની સુરક્ષા કરવી એ આપણા બધાની નૈતિક જવાબદારી છે. બળાત્કારના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં અને ઓછામાં ઓછા દિવસોમાં મૃત્યુદડં અને આજીવન કેદની સજા આપવામાં ગુજરાત દેશમાં મોખરે છે. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં મહિલાઓ પર અત્યાચાર અને બળાત્કાર જેવી ઘટનાઓ ન બને તે માટે રાજ્ય સરકાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. જયાં ભારતમાં મહિલાઓ પર અત્યાચાર અને બળાત્કારની ઘટનાઓનો ગુનાનો દર 4.7 ટકા છે, પરંતુ ગુજરાતમાં તેને 1.8 ટકાથી નીચે લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.