સરકારને અસ્થિર કરવાનું કાવતરું ઘડનારાની તપાસ સાઈબર ક્રાઇમને સોંપીઃ ગૃહરાજ્યપ્રધાન

ગાંધીનગર– સોશિઅલ મીડિયામાં રુપાણી સરકારના પડી ભાંગવા અંગેની સતત થઇ રહેલી એક્ટિવિટીને લઇને રાજ્ય સરકારે ગંભીરતાથી તે દિશામાં પગલાં લેવાનું મન બનાવ્યું છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આવી પ્રવૃત્તિઓને સરકારને અસ્થિર કરવાનું કાવતરું ગણાવતાં સાઇબર ક્રાઇમને તપાસ સોંપી દીધી છે.

ગુજરાત સરકારને હદનામ કરવાનું આ કાવત્રું હોઇ શકે તેમ એક અખબાર સાથેની વાતચીતમાં જાડેજાએ જણાવ્યું હતું. છેલ્લાં કેટલાક દિવસોથી નાયબ સીએમ નિતીન પટેલના રાજીનામાંથી લઇને રુપાણીના કેબિનેટમાં અપાયેલાં રાજીનામાંની ચર્ચા સોશિઅલ મીડિયા પર ચાલી છે જેને લઇને માધ્યમોના પ્રતિનિધિઓ સરકારના જવાબદાર સત્તાધીશોને વારંવાર પૃચ્છા કરી રહ્યાં છે. જેને લઇને સરકારને અસ્થિર કરવા માટે કોઇ કાવતરાંખોરો આમ કરી રહ્યાં હોવાની આશંકાને લઇને કેટલાક શકમંદોની સોશિઅલ એક્ટિવિટીની તપાસ કરવા માટે સાઇબર વિભાગને આદેશ આપવામાં આવ્યો છે.