ઉત્તરમાં ત્રણ દિ’થી હિમવર્ષા, ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો

અમદાવાદ– રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે ઠંડી અને હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડી વધી છે.

ઉત્તર ભારતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસ સહિત કાતિલ ઠંડીથી જનજીવન ઠૂંઠવાઇ રહ્યું છે. કશ્મીરમાં હિમવર્ષા થઇ રહી છે ત્યારે હજુ વધુ ઠંડી વધવાની શક્યતા છે. ગુજરાતની નજીકનું આબુનું નખી લેક થીજી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. બે દિવસથી સવારથી જ ઠંડી રહેતાં શાળાએ જતાં બાળકો અને મોર્નિંગ વૉક લેતાં લોકો ઠંડીથી બચવા શાલસ્વેટરનો ઉપયોગ કરી રહ્યાં છે. ગઇકાલે યોજાયેલી મતદાનપ્રક્રિયામાં પણ સવારના ભાગે ઠંડીના કારણે બપોર બાદ લોકો વધુ બહાર નીકળ્યાં હતાં.

અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં તાપમાનમાં ઘટાડો નોંઘાઇને 13 ડિગ્રીએ પારો આવી ગયો છે. રાજ્યના તમામ વિસ્તારોમાં હાલ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. સૌરાષ્ટ્રકચ્છમાં આગામી ત્રણ દિવસમાં કોલ્ડવેવની શક્યતા છે. આજે રાજ્યનો સૌથી ઠંડો વિસ્તાર નલીયા બન્યો હતો જ્યાં 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

જ્યારે અમદાવાદ 13.6 ડિગ્રી, રાજકોટ 11.1 ડિગ્રી, સુરત 16.7 ડિગ્રી અને વડોદરા 16.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.