HSRP નંબર પ્લેટ માટે સુપ્રીમ કોર્ટે ગુજરાતને ફટકારી નોટિસ, 1 માસની મુદત આપી

ગાંધીનગર- ગુજરાતના તમામ વાહન ચાલકોએ હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ (HSRP) તા.૧૫ જાન્યુઆરી ૨૦૧૮ સુધીમાં ફીટ કરાવી લેવાની રહેશે. અનઅધિકૃત નંબર પ્લેટવાળા વાહનોને ગુન્હાદીઠ રૂા.૫૦૦ સુધીનો દંડ કરાશે. દ્વિચક્રિય અને ત્રિચક્રિય વાહનોમાં રૂા.૮૯/- અને ચાર પૈડાવાળા તથા ભારે વાહનોમાં રૂા.૧૫૦ વધારાનો સર્વિસ ચાર્જ ભરીને અધિકૃત HSRP નંબર પ્લેટ ફીટ કરાવી શકાશે.વાહન વ્યવહાર કમિશનર દ્વારા જણાવાયું છે કે, HSRP નંબર પ્લેટ ફીટ કરાવવીએ સુપ્રીમ કોર્ટનો આદેશ છે. સુપ્રીમ કોર્ટે ૨૩ નવેમ્બરે ગુજરાત સહિત અન્ય પાંચ રાજ્યોને નોટિસ આપી છે અને આદેશનો અમલ કરવા રાજ્યોએ શું પગલાં લીધા તેની વિગતો માગી છે. તેથી રાજ્ય સરકાર દ્વારા તમામ પોલીસ કમિશનરો અને પોલીસ અધિક્ષકોને અમલ કરવા સૂચના આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવા વાહનોમાં ૧૬/૧૧/૨૦૧૨થી HSRP નંબર પ્લેટ ફીટ કરાવવી ફરજિયાત કરી છે તેનો ચૂસ્તપણે અમલ થાય છે. પરંતુ તે પહેલાના જૂના વાહનો તથા કેટલાક વાહનો પણ HSRP નંબર પ્લેટ સિવાય ફરે છે તે કાયદા વિરુદ્ધ છે.

વાહન વ્યવહાર કમિશનર દ્વારા HSRP નંબર પ્લેટ ફીટ કરાવવા માટે વાહન ડીલરો પાસે પણ આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આરટીઓ કચેરી ઉપરાંત નજીકના કોઇપણ વાહન ડીલરને ત્યાં રાજ્ય સરકારે અધિકૃત કરેલ સર્વિસચાર્જથી અધિકૃત HSRP નંબર પ્લેટ ફીટ કરાવી શકાય છે. જેથી તમામ વાહન ચાલકોએ ૧૫મી જાન્યુઆરી ૨૦૧૮ સુધી અધિકૃત HSRP નંબર પ્લેટ ફીટ કરાવી લેવી આવશ્યક છે. અન્યથા અન અધિકૃત નંબર પ્લેટવાળા વાહનો પાસેથી દંડ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. જેથી તમામ વાહનચાલકોએ આપના વાહન પર HSRP નંબર પ્લેટ ના હોય તો નજીકના ડીલર પાસે અથવા આરટીઓ કચેરીમાં જઇ તાત્કાલીક HSRP પ્લેટ ફીટ કરાવી લઇ દંડથી બચવા વધુમાં જણાવાયું છે.