ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 12 સાયન્સનું 100% પરિણામ જાહેર

અમદાવાદઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10નું પરિણામ જે ફોર્મેટમાં જાહેર કરવામાં આવ્યું હતું એ પ્રમાણે જ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓમાં ખુશી તો કેટલાકને આશા પ્રમાણે પરિણામ ના મળતાં વિદ્યાર્થીઓ નિરાશ પણ જોવા મળ્યા હતા. બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે.

કોરોના કાળમાં સૌપ્રથમ વાર ધોરણ 12 સાયન્સની પરીક્ષા લેવાયા વગર વિદ્યાર્થીઓને પરિણામ જાહેર થયું છે. રોગચાળામાં ધોરણ-10ના પરિણામ બાદ ધોરણ-12નું પરિણામ પણ 100 ટકા આવ્યું છે. આ પરિણામ result.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે જોકે એ માત્ર શાળાઓ જ જોઈ શકશે.

આજે ધોરણ 12 સાયન્સમાં 1,07,264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 15,284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે B ગ્રુપમાં 657 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ 26,831 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે.

જોકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં ક્યાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને વિદ્યાર્થીઓને પરંપરાગત માર્કશીટ જ આપવામાં આવશે.