ભરૂચમાં નર્મદા-નદી પરનો ‘ગોલ્ડન-બ્રિજ’ 140-વર્ષે ‘નિવૃત્ત’ થયો

ભરૂચઃ દેખાવમાં સુંદર અને મજબૂત એવો અહીંનો ‘ગોલ્ડન બ્રિજ’ આ અઠવાડિયે નિવૃત્ત થયો છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર નર્મદા નદી પર બાંધવામાં આવેલો આ પૂલ 140 વર્ષ સુધી ભરૂચની જનતાને સેવા પૂરી પાડ્યા બાદ ‘નિવૃત્ત’ થયો છે.

મીડિયા હાઉસ ‘ચેનલ નર્મદા’ના ડાયરેક્ટર અને ભૂતપૂર્વ પત્રકાર હરિશ જોશીએ કહે છેઃ ‘થેંક્યૂ ગોલ્ડન બ્રિજ – નર્મદા બ્રિજ… 140 વર્ષો સુધી સતત અમારો ભાર ઝીલવા બદલ.’

પત્રકાર કાઈદ નજમીએ એમના અહેવાલમાં જણાવ્યું છે કે બ્રિટિશ શાસન વખતે બાંધવામાં આવેલા રેલવે બ્રિજને બાદમાં રોડ બ્રિજમાં ફેરવી દેવામાં આવ્યો હતો. એશિયાની સૌપ્રથમ ટ્રેન 1853ના એપ્રિલમાં મુંબઈમાં શરૂ થઈ ગઈ હતી. બ્રિટિશરો રેલવે નેટવર્કનો વિસ્તાર કરવા માગતા હતા, પરંતુ નર્મદા નદીને પાર કરવામાં બાધા નડતી હતી. તેથી બ્રિટિશ શાસકોએ એ વખતના બોમ્બે પ્રાંતના વહીવટીય વડામથક બોમ્બે (મુંબઈ)ને ગુજરાત અને તેનાથી આગળના વિસ્તારો સાથે જોડતો એક રેલવે બ્રિજ નર્મદા નદી પર બાંધવાનું નક્કી કર્યું હતું. એ બ્રિજ બંધાવાથી વેપાર-ઉદ્યોગની પ્રવૃત્તિઓને મોટો વેગ મળે એમ હતું.

તે કામકાજની આગેવાની જાણીતા બ્રિટિશ આર્કિટેક્ટ સર જોન હોકશૉએ લીધી હતી. એમણે 1861માં નર્મદા બ્રિજ બાંધવાની શરૂઆત કરી હતી, પરંતુ 1863, 1868, 1871, 1872, 1873, 1876માં નર્મદામાં આવેલા ભયાનક પૂરને કારણે બ્રિજના મોટા અને નાના ભાગો તૂટી પડ્યા હતા. એને કારણે અનેક કામદારો પણ માર્યા ગયા હતા. આ વિષય પર લંડનમાં બ્રિટિશ સંસદમાં પણ ચર્ચા થઈ હતી. સર હોકશૉ જોકે નાસીપાસ થયા નહોતા અને એમણે 1877માં એ જ સ્થળે નવેસરથી અને લોખંડનો મજબૂત પૂલ બાંધવાનું શરૂ કર્યું હતું. આખરે 1881ના મે મહિનામાં એ પૂલ તેમણે પૂરો કરાવ્યો હતો. 1.41 કિલોમીટર લાંબો પૂલ લોખંડનો હતો અને એ માટે 45.65 લાખનો ખર્ચ થયો હતો. ખર્ચ બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઈન્ડિયા (BB&CI) રેલવે કંપનીએ ઉઠાવ્યો હતો.

નર્મદા નદી પર બ્રિજ બાંધવાની આગેવાની એ વખતના જાણીતા બ્રિટિશ આર્કિટેક્ટ સર જોન હોકશૉએ લીધી હતી

એનું નામ ‘નર્મદા બ્રિજ’ રાખવામાં આવ્યું હતું, પરંતુ તે જ યુગમાં એ ‘ગોલ્ડન બ્રિજ’ તરીકે જાણીતો થયો. લોકો એવું બોલતાં કે ‘ઓહો, કેટલો બધો ખર્ચો કર્યો!! આટલા ખર્ચામાં તો સોનાનો પૂલ બંધાઈ જાય.’ આ જાણકારી ભરૂચના જાણીતા હોમિયોપેથ સૈફુદ્દીન મુલ્લાએ આપી છે.

‘પહેલા અને બીજા વિશ્વ યુદ્ધ વખતે જ આ બ્રિજ તોડી નાખવામાં આવ્યો હોત, કારણ કે બ્રિટિશ સરકારે યુદ્ધ પાછળના તોતિંગ ખર્ચને પહોંચી વળવા માટે આ પૂલ તોડીને એનું લોખંડ વેચીને પૈસા ઊભા કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ સ્થાનિક જનતાના દબાણને તેઓ વશ થયા હતા અને એ બ્રિજ આજ સુધી અસ્તિત્વમાં રહ્યો,’ એમ હરિશ જોશી કહે છે.

ગોલ્ડન બ્રિજને 55 વર્ષ થયા બાદ 1935માં મુંબઈ અને ઉત્તર ભારત વચ્ચે મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને દોડાવી શકાય એ માટે બ્રિટિશ સરકારે નર્મદા નદી પર એની બાજુમાં જ ડબલ રેલવે લાઈનવાળો 1.40 કિ.મી.વાળો નવો ‘સિલ્વર જ્યુબિલી બ્રિજ’ બાંધ્યો હતો. પરંતુ ભારતને આઝાદી મળ્યા બાદ તરત જ પશ્ચિમ રેલવેએ ગોલ્ડન બ્રિજનો ઉપયોગ કરવાનું માંડી વાળ્યું હતું અને એ વખતની ગુજરાત સરકારે એ બ્રિજને રોડ બ્રિજમાં ફેરવી નાખ્યો હતો.

મૂળ ‘નર્મદા બ્રિજ’ કે ‘ગોલ્ડન બ્રિજ’ સિંગલ રેલવે લાઈનવાળો હતો. ગુજરાત સરકારે એને સાંકડા બે-લેનવાળા રોડ બ્રિજમાં ફેરવી નાખ્યો હતો. એની પરથી દરરોજ બંને દિશામાં હજારો વાહનો (ભારે ભરખમ વાહનો સિવાયના) અને લાખો લોકોની અવરજવર સતત રહેતી. તે અવરજવર બ્રિજ હાલમાં નિવૃત્ત થયો ત્યાર સુધી રહી હતી.

ગયા અઠવાડિયે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ચાર-લેનવાળા રોડ બ્રિજ ‘નર્મદા મૈયા બ્રિજ’નું લોકાર્પણ કર્યું હતું. એ સાથે જ નર્મદા બ્રિજ કે ગોલ્ડન બ્રિજ સત્તાવાર રીતે નિવૃત્ત થયો. નવો પૂલ રૂ. 430 કરોડમાં અને 66 મહિનામાં બાંધવામાં આવ્યો છે.

નવો ‘નર્મદા મૈયા બ્રિજ’

નવો ‘નર્મદા મૈયા બ્રિજ’

NGO ભરૂચ સિટીઝન્સ કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ, ઈતિહાસવિદ્દો તથા ભારતમાંના તેમજ વિદેશમાં વસતા અગ્રગણ્ય ભરૂચીઓની ઈચ્છા છે કે એમનાં માનીતા ગોલ્ડન બ્રિજને કાયમી ધોરણે રાષ્ટ્રીય હેરિટેજ સ્મારકમાં પરિવર્તિત કરવો જોઈએ. જેથી ભારતીય તથા વિદેશી પર્યટકો સ્થાપત્યકળાની આ અનોખી અને ઉત્કૃષ્ટ કૃતિ સમાન બ્રિજની મુલાકાત લે.

જીવરાજ પટેલે કહ્યું કે, ‘140 વર્ષ થઈ ગયા છે તે છતાં આ પૂલ પર આજે પણ જરાય કાટ લાગ્યો નથી. આટલા વર્ષોમાં માત્ર એક જ વાર એની પર ટ્રાફિકને અટકાવવામાં આવ્યો હતો (2018ના માર્ચ-એપ્રિલમાં એક મહિના માટે જેથી નર્મદા મૈયા બ્રિજનું કામ સરળતાથી થઈ શકે). નિષ્ણાતોનું કહેવું છે કે યોગ્ય કાળજી લેવાય તો ગોલ્ડન બ્રિજ હજી બીજા ઓછામાં ઓછા છ દાયકા સુધી સહેલાઈથી ટકી શકે એમ છે.’ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું છે કે સરકાર આ સૂચન પર વિચારણા કરશે.

દરમિયાન, ગોલ્ડન બ્રિજને ગઈ 15 જૂનથી તેજ ગતિએ જતા વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હજારો રાહદારીઓ આ બ્રિજ પરથી પસાર થતી વખતે પૂલની સુંદરતાની પ્રશંસા કરે છે, નર્મદા નદીના સુંદર દ્રશ્યો નિહાળે છે અને સેલ્ફીઓ લે છે.