PM મોદીની ગુજરાતને હાઇટેક ભેટઃ ત્રણ પ્રોજેક્ટોનું ઈ-લોકાર્પણ

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રિમોટ કંટ્રોલના માધ્યમથી ગુજરાતનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે ટ્રેનોને લીલી ઝંડી દર્શાવીને બે ટ્રેનને રવાના કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાયન્સ સિટીમાં નવા ત્રણ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યુ હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અત્યાધુનિક બનાવેલું ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું લીલી ઝંડી બતાવીને લોકાર્પણ કર્યું હતું. તેમણે અમદાવાદમાં સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલેરી તેમ જ હોટેલ તથા વડનગરના રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે સુરેન્દ્રનગર પીપાવાવ લાઇન ઉપર વીજળીકરણ, મહેસાણા વરેઠા ગેજ રૂપાંતરિત કાર્યનો પણ દિલ્હીથી વર્ચ્યુઅલ સ્વરૂપે પ્રારંભ કરાવ્યો હતો. તેમણે દિલ્હીમાં બેઠાં-બેઠાં વડનગરથી વારાણસી સુપર ફાસ્ટ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.

વડા પ્રધાને સંબોધનની શરૂઆતમાં બધા મજામાં છો –એમ કરીને કરી હતી. તેમણે કહ્યું હતું કે શ્રીમંતોને જ નહીં, પણ દરેક વર્ગને સુવિધા મળવી જોઈએ. તેમણે કહ્યું હતું કે  હુ જ્યારે ગુજરાતનો મુખ્ય પ્રધાન હતો ત્યારે બસ સ્ટેશનને પીપીપી ધોરણે વિકાસાવ્યાં. એરપોર્ટ જેવી સુવિધા બસ સ્ટેશનમાં મળી રહી છે. રેલવેના કાયાકલ્પને કારણે મહાત્મા મંદિરનો પણ વ્યાપક ઉપયોગ થશે. તેમણે કહ્યું હતું કે મેડિસિન, ખેતી, સ્પેસ અને ડિફેન્સ સહિતનાં અન્ય ક્ષેત્રમાં રોબોટ કેવી રીતે ઉપયોગી છે તે સાયન્સ સિટીમાં મળી રહેશે. રોબોટ દ્વારા રાંધવામાં આવેલી રસોઈ ખાઈ શકાશે. સામાન્ય રીતે આ પ્રકારની સુવિધા વિદેશમાં હોય છે. પણ હવે ગુજરાત અને ભારતમાં પણ મળી રહે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે  વડનગર રેલવે સ્ટેશન સાથે મારી તો કેટલીય યાદો જોડાયેલી છે. નવા ભારતના વિકાસની ગાડી બે પાટા પર ચાલીને આગળ વધશે. તેમણે ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકા પર ભાર મૂકવા અપીલ કરી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે 35 વર્ષ પછી ગાંધીનગર સ્ટેશનની કાયાપલટ થઈ છે. બે નવી ટ્રેન આજથી શરૂ થવા જઈ રહી છે.

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના માર્ગે વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતને વિકાસની ભેટ આપી છે. ગુજરાતના વિકાસની વાત દેશના અન્ય રાજ્યોની સાથે નહીં વિશ્વના અન્ય દેશ સાથે થઈ રહી છે.

આ પ્રસંગે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, દિલ્હીથી વર્ચ્યુઅલ સ્વરૂપે સમારોહમાં સામેલ થશે. તો કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિનીકુમાર, રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય રેલવેપ્રધાન દર્શના જરદોષ, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ગાંધીનગર રેલવે સ્ટેશનના કાર્યક્રમમાં જોડાશે.