રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રસમાં ‘તું જા, હું આવું’ની સ્થિતિ

ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણી જાહેર થવાની સાથે જ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીમાં મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે. એના કુલ 8 ધારાસભ્યોના રાજીનામા પડી ચૂક્યા છે. હવે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી રહેલા કોંગ્રેસના બીજા ઉમેદવારની જીતની શક્યતા પાંખી છે. જ્યારે ભાજપે જીત તરફ એક પગલું આગળ વધાર્યુ છે. હાલ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ એક પછી એક ધારાસભ્યોના રાજીનામાને કારણે ઓછું થતું જાય છે. કોંગ્રેસની ડેમેજ કંટ્રોલની કવાયત કેવું કામ કરે છે તે તો સમય જ કહેશે. પણ આ ધારાસભ્યોના રાજીનામા કોંગ્રેસની હારને વધુ મજબૂત બનાવી રહ્યું છે.

કોંગ્રેસમાં રાજીનામું આપનાર ધારસભ્યોની જો વાત કરવામાં આવે તો અગાઉ 5 રાજીનામાં પડયા હતા જેમાં ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂ, ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતનો સમાવેશ થાય છે જ્યારે ગઈકાલે કરજણના અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીએ રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ હજી આ આઘાતમાંથી બહાર નહોતી આવી ત્યાં આજે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં પ્રજાના કામ ન થતા હોવાના આ ધારાસભ્યોએ આક્ષેપ કર્યા છે.

તો બીજી તરફ NCP નેતા કાંધલ જાડેજાએ ફરી એકવાર પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, હું કાયમ માટે NCP સાથે જોડાયેલો છું, માત્ર રાજ્યસભાની ચૂંટણીમાં જ ભાજપને મત આપું છું.

ધારાસભ્યોના રાજીનામા અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, ભાજપ અમારા ધારાસભ્યોને લલચાવવા માટે પૈસાની સાથે ધમકીનો પણ ઉપયોગ કરી રહ્યું છે. અક્ષય પટેલ માઇનિંગમાં વ્યાપારી હિતો ધરાવે છે અને તેથી તેને લાલચ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી  યોજાશે. સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. ગોહિલને પ્રથમ પંસદગીનો મત મળશે જેથી રાજ્યસભામાં તેમની જીત લગભગ નક્કી ગણાય છે. જ્યારે ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી નોંધાવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]