ભાજપ સરકારની ચિંતન શિબિરનો પ્રારંભ, ત્રણ દિવસ થશે મહામંથન

વડોદરા-આગામી વર્ષે લોકસભા ચૂંટણીમાં સત્તાવિરોધી લહેરનો સામનો કરવા સાથે ભાજપે મેદાન ઊતરવાનું છે ત્યારે પક્ષના આંતરિક સંગઠનમાં નેતાઓ-કાર્યકર્તાઓ અને સરકારી અધિકારીઓ માટે ચિંતાનું મંથન જરુરી બની રહેનાર છે. આ સંજોગોમાં વડોદરા શહેરમાં આજથી 9મી ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. રાજ્ય સરકારની આ ચિંતન શિબિરમાં ગુડ ગવર્નસની થીમ પર ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી આ શિબિરાર્થી કાર્યકર્તાઓને સંદેશો પાઠવશે.સીએમ રુપાણીએ આ શિબિરના પ્રારંભે જણાવ્યું હતું કે નીતિનિર્ધારણ અને અમલીકરણ કરતી ટીમ ગુજરાત તરીકે ક્લેક્ટિવ વર્ક કલ્ચર પેદા કરવાનું છે. આ શિબિરથી ગુજરાતની વહીવટી  સંસ્કૃતિ અને પ્રજાકલ્યાણ વિકાસકામોને નવી દિશા મળશે.નાયબ સીએમ નિતીન રુપાણી સહિત સમગ્ર પ્રધાનમંડળ અને વરિષ્ઠ સચીવોથી લઇ પ્રોબશનરી સનદી અધિકારીઓ સહિત 220 શિબિરાર્થીઓ આ શિબિરમાં  જોડાયાં છે.શિબિરમાં ત્રણ દિવસ દરમિયાન સાત જેટલા વિષયો પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવશે. મુખ્ય સચિવ પ્રેઝન્ટેશન પણ રજૂ કરશે. રાજ્યની વર્તમાન પરિસ્થિતિ તથા લોકોને વધુમાં વધુ કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે અંગે મહામંથન કરવામાં આવશે. સરકારી યોજનાને લોકો સુધી પહોંચાડવા, તથા નવી યોજનાઓ અને સરકારી લાભ સહિતના તમામ મુદ્દે ગહન ચર્ચા કરવામાં આવશે. ચિંતન શિબિરમાં રાજ્યના તમામ પ્રધાનો અને સરકારના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહેશે.