પીએમ મોદી, અમિત શાહ અમદાવાદમાં મતદાન કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે બીજા અને આખરી તબક્કામાં મતદાન યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદમાં મતદાન કરશે. વડા પ્રધાન મોદી આવતીકાલે સવારે અમદાવાદના રાણીપ વિસ્તારની એક હાઈસ્કૂલમાં રચવામાં આવેલા મતદાન મથકમાં મતદાન કરશે. અમિત શાહ શહેરના નારણપુરા વિસ્તારમાં એક મ્યુનિસિપલ સબ-ઝોનલ કચેરીમાં જઈને મતદાન કરશે.

આવતીકાલના તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની 93 સીટ માટે મતદાન થશે. આ માટે 833 ઉમેદવારો ચૂંટણીજંગમાં ઉતર્યાં છે. 1 ડિસેમ્બરે, પહેલા તબક્કામાં 89 બેઠકો માટે 63.31 ટકા મતદાન થયું હતું. કુલ 182-સીટ માટેની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી અને પરિણામ 8 ડિસેમ્બરે કરાશે.