કોંગ્રેસના ઉમેદવારોની યાદી 4-નવેમ્બરે બહાર પડવાની ધારણા

અમદાવાદઃ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે વિરોધપક્ષ કોંગ્રેસ તેના ઉમેદવારોની યાદી 4 નવેમ્બરે બહાર પાડે એવી ધારણા રખાય છે. એએનઆઈ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ઉમેદવારોના નામ નક્કી કરવા માટે કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 4 નવેમ્બરે નવી દિલ્હીમાં AICC મુખ્યાલય ખાતે મળશે. તે બેઠક પૂરી થયા બાદ ઉમેદવારોના નામોની ઘોષણા કરાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન તથા મતગણતરી-પરિણામની તારીખોની આવતીકાલે જાહેરાત કરવામાં આવે એવી ધારણા છે. 2017ની જેમ આ વખતે પણ ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાય એવી શક્યતા છે. મતદાનનો પહેલો તબક્કો 30 નવેમ્બર અથવા 1 ડિસેમ્બરે અને બીજો તબક્કો 4-5 ડિસેમ્બરે યોજાય એવી ધારણા છે. મતગણતરી અને પરિણામ 8 ડિસેમ્બરે હાથ ધરાય એવી સંભાવના છે.