રાજ્યના આ ત્રણ શહેરોમાં 24 એપ્રિલ સુધી કરફ્યુ લંબાવાયો…

ગાંધીનગર: રાજ્યમાં અમદાવાદના કોટ વિસ્તાર સહિત સુરત અને રાજકોટમાં કરફ્યુ લંબાવવામાં આવ્યો છે, રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યના મોટાભાગના કેસ આ ત્રણેય શહેરોમાં નોંધાયા છે. જેને પગલે આ ત્રણેય શહેરમાં 24 એપ્રિલના સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. અમદાવાદમાં 34 મોતમાંથી 25 મોત કોટ વિસ્તારના દર્દીના થયા છે. તેમજ રાજકોટમાં પણ 38 દર્દીમાંથી 30 દર્દી જંગલેશ્વરમાં નોંધાયા છે.

ઝાએ ઉમેર્યું કે, આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આ ત્રણેય શહેરોમાં જે રીતે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે તે અંગે ચિંતા વ્યકત કરીને જરૂરી પરામર્શ કર્યો હતો. આ શહેરોના જે વિસ્તારમાં સંક્રમણનું પ્રમાણ વધ્યું છે તેવા વિસ્તારમાં સંક્રમણ ઝડપથી અટકે અને અન્ય વિસ્તારમાં ન પ્રસરે તે માટે નાગરિકોના આરોગ્યની ચિંતા કરીને આ કર્ફ્યુની મુદત લંબાવવાનો મહત્વ નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના સવારના 10 વાગ્યા બાદ 93 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 4ના મોત થયા છે અને 25 દર્દી સાજા થયા છે. આ પહેલા ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં 108 કેસ નોંધાયા હતા. આમ 24 કલાકમાં 201 દર્દી નોંધાયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1939 દર્દી નોંધાયા છે અને 71ના મોત તેમજ 131 લોકો ડિસ્ચાર્જ થયા છે.