ISTEના અધિવેશનમાં GTUને બેસ્ટ ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો એવોર્ડ

અમદાવાદ– ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)એ ગ્રામવિકાસ માટે બનાવેલા મોડેલનો દેશભરમાં અમલ થાય તે દિશામાં વિચારણા શરૂ થઇ છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન સત્યપાલ સિંહે કેરળમાં એક સમારોહને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતાં એવો વિચાર વહેતો મૂક્યો હતો કે દેશભરમાં એન્જિનિયરિંગ કોલેજે એક એક ગામ દત્તક લેવું જોઇએ અને તેનો વિકાસ થાય તેમાં મહત્વની ભૂમિકા ભજવી જોઈએ. ઇન્ડિયન સોસાયટી ફોર ટેકનિકલ એજયુકેશન (આઈએસટીઈ)ના રાષ્ટ્રીય અધિવેશનમાં જીટીયુને બેસ્ટ ટેકનોલોજીકલ યુનિવર્સિટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આઈએસટીઈના રાષ્ટ્રીય પ્રમુખ પ્રતાપસિંહ કે. દેસાઈના હસ્તે અર્પણ કરવામાં આવેલા આ એવોર્ડનો જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે સ્વીકાર કર્યો હતો.કેરળના કોટ્ટાયમ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશનનો સંબોધતા સત્યપાલ સિંહે કહ્યું હતું કે દરેક એન્જિનિયરિંગ કોલેજ ગામ દત્તક લે અને તેના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે તો દેશના વિકાસમાં તે મહત્વપૂર્ણ પ્રકરણ બની શકે. સમારોહમાં દેશભરની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો, શિક્ષણશાસ્ત્રીઓ, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજયુકેશન તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના પ્રતિનિધિઓ અને વિવિધ રાષ્ટ્રીય સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત હતા. અહીં ઉલ્લેખનીય છેકે ગ્રામવિકાસ માટે જીટીયુએ 500 કોલેજ 500 ગામ શીર્ષક હેઠળ દરેક કોલેજ એક ગામ દત્તક લે એવી યોજના અમલમાં મૂકી હતી. તે યોજના હેઠળ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ગામડાઓમાં જઈને વિશ્વકર્મા યોજના, રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ) અને 500 કોલેજ 500 ગામ યોજના હેઠળ ગામડાના વિકાસની પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. જીટીયુની એન્જિનિયરિંગ કોલેજોના છ હજાર વિદ્યાર્થીઓએ 107 ગામોમાં જઈને એક સપ્તાહમાં 9000 શૌચાલયનું નિર્માણ કર્યું હતું, જેની પ્રશંસા ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કરી હતી.

ડૉ. શેઠે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૭થી શરૂ થયેલી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ ફક્ત ૧૦ વર્ષના ટુંકા સમયગાળામાં અદભૂત પ્રગતિ કરીને દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવ્યું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ શરૂઆતથી જ વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને, વિદ્યાર્થીની ઉન્નતિ અને પ્રગતિ થાય અને વૈશ્વિક હરિફાઈમા પોતાની જાતને પુરવાર કરી શકે તેવી કાબેલિયત ધરાવતો થાય તે માટે વિવિધ કાર્યક્રમો અને પોલીસી ઘડી છે. સાથેજ વિદ્યાર્થી પોતાનુ ભણતર પૂર્ણ કરી અને પોતે પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે અને પોતે નોકરી ઈચ્છુક નહિ પરંતુ નોકરીદાતા બને તેના માટે સ્ટાર્ટ અપ સહિતની તાલીમ પણ આપવામાં આવે છે.