ગુજરાતઃ આમાં પસંદ થનાર ખેલાડીને મળશે 8 વર્ષ સુધી 5 લાખની સહાય

અમદાવાદ- યુવા સાંસ્કૃતિક અને રમતગમત મંત્રાલય દિલ્હી દ્વારા ૩૧ જાન્યુઆરી-૨૦૧૮થી ૮મી ફેબ્રુઆરી-૨૦૧૮ દરમિયાન નવી દિલ્હી ખાતે પહેલી ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેઈમ્સ(KISG) યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આ સ્પર્ધામાં ગુજરાતનાં ૧૫૪ રમતવીરો ભાગ લેશે.

ગુજરાતના અંડર-૧૭ એજ ગ્રુપમાં વિવિધ ૧૬ રમતોમાં આ રમતવીરો ભાગ લેશે. જેમાં તીરંદાજી, બેડમિન્ટન, બોક્સિંગ, જિમ્નાસ્ટિક, જૂડો તથા શૂટિંગ જેવી ૧૬ અલગઅલગ રમતો યોજાશે. પસંદ થનારાં રમતવીરોને સ્કૂલ ગેઈમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા(SGFI) અને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન(NFS) દ્વારા પસંદ કરવામાં આવ્યા છે.

ખેલો ઇન્ડિયા એક એવી સ્પર્ધા છે જેમાં દેશના ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોના સ્પર્ધકો એકબીજા સાથે સ્પર્ધા કરશે. દેશના યુવાઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા અને પ્રતિભા ધરાવતા શ્રેષ્ઠ રમતવીરોણી પ્રતિભાને બહાર લાવવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૬ અલગ અલગ રમતો સાથે ૨૦૦ થી વધુ ઈવેન્ટ્સનો સમાવેશ કરતી સ્પર્ધા બની રહેશે.

આ સ્પર્ધામાં ગુજરાતની ટીમને જ્વલંત વિજય અપાવવાના મિશન સાથે ૧૫૪ રમતવીરો રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા તૈયારી કરી રહ્યાં છે. ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં ગુજરાત તરફથી મિત્તલ ચૌધરી, શ્રદ્ધા કથીરીયા, વાગ્મિતા રાજબલાઈ, મિત્તલ બારિયા, યુતિ ગજ્જર, અનિરુદ્ધસિંહ કુશવાહા, શેખ મોહમ્મદ મોમીન, સિદ્ધિ પટેલ, મુસ્કાન કાચોલીયા, સંસ્કૃતિ ભાલરા, ડોલ્ફી સારંગ, હેમરાજ પાટીલ, નીતાયી શાહ, શિવમ જેથુડી, સિલ્કી નાગ્પુરે જેવા જાણીતા મેડલ ચંદ્રક વિજેતાઓ સ્પર્ધામાં ભાગ લેશે. ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા પસંદગી પામેલા પ્રતિભાવાન રમતવીરોને આઠ વર્ષ સુધી વાર્ષિક રૂ.૫ લાખની નાણાકીય સહાયતા આપવામાં આવશે, તેમ વધુમાં જણાવાયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]