અમદાવાદઃ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (GSTTA) શહેરમાં 17થી 21 ઓગસ્ટમાં GSL ટેબલટેનિસ લીગનું આયોજન કરવા માટે સજ્જ છે. શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલા ‘એરેના બાય ટ્રાન્સ સ્ટેડિયા’માં આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. આ વાર્ષિક ઇવેન્ટ યોજવા પાછળનો વિચાર વધુ ને વધુ ખેલાડીઓ અને નવી પ્રતિભાઓને આ લીગમાં જોડાવા અને તેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો તથા ટેબલટેનિસ રમવા માટે સ્પર્ધાત્મક મંચ પૂરું પાડવાનો છે. આ પાંચ દિવસની ઇવેન્ટમાં ગુજરાત અને દેશમાંથી શ્રેષ્ઠ ખેલાડીઓ ભાગ લેશે અને 32 મેચમાં તેમની વચ્ચે રસાકસીભર્યા મુકાબલા થશે.
આ લીગનું આયોજન અન્ય કોઈ પ્રોફેશનલ લીગ મેચોની જેમ જ કરવામાં આવે છે, જેમાં સ્થાનિક વ્યાવસાયિક સમુદાયો ટીમોની રચના કરવા માટે યોગદાન આપે છે અને ખેલાડીઓની હરાજી કરવામાં આવે છે. આ ફ્રેન્ચાઇઝીએ હરાજીના માધ્યમથી રૂ. 22 લાખની કુલ રકમમાંથી ખેલાડીઓને ખરીદ્યા છે.
ફ્રેન્ચાઇઝીના માલિકો દ્વારા પ્રાયોજિત આઠ ટીમો આ લીગમાં ભાગ લેશે. GATTAના અધ્યક્ષ વિપુલ મિત્રા (IAS)એ જણાવ્યું હતું કે ટેબલટેનિસની રમતમાં વધુ ને વધુ ખેલાડીઓ રસ લઈ રહ્યા હોવાથી છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં આ રમતની લોકપ્રિયતા ઘણી વધી છે.
લીગ મેચો બે તબક્કામાં રમાશે, જેમાં આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહેલી તમામ ટીમો રાઉન્ડ રોબિન ફોર્મેટમાં મેચો રમશે, જેમાં પ્રત્યેક ટીમે એકબીજાની સાથે રમવાનું રહેશે.
પ્રથમ તબક્કાના અંતે મહત્તમ વિનિંગ પોઇન્ટ્સ ધરાવતી ટોચની ચાર ટીમો બીજા તબક્કા માટે ક્વોલિફાઇ થશે. પ્રથમ ક્વોલિફાઇંગ મેચમાં આ લીગના પ્રથમ તબક્કાની ટોચની બે ટીમો એકબીજાની વિરુદ્ધ રમશે અને તેમાંથી જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે. જોકે, હારનારી ટીમને બીજી ક્વોલિફાઇંગ મેચ રમાડી ફાઇનલમાં પહોંચવાનો બીજો એક મોકો આપવામાં આવશે. આ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારી પ્રત્યેક ટીમ ગુજરાતના રજિસ્ટર થયેલા ખેલાડીઓ તથા અન્ય રાજ્યના રાષ્ટ્રીય ખેલાડીઓનું સંયોજન હશે.
