અમદાવાદઃ 2020માં તમામ મોટા ઉત્સવો, તહેવારોને ગ્રહણ લગાડ્યા બાદ કોરોના વાઈરસ મહાબીમારી હવે ઉત્તરાયણની મજાની પણ આડે આવે એવું લાગે છે. ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કોરોના વાઈરસ મહાબીમારીને કારણે રાજ્યભરમાં લાગુ કરવામાં આવેલા નિયંત્રણો અંતર્ગત ઉત્તરાયણ વિશે મહત્ત્વની જાહેરાત કરી છે. એમણે કહ્યું છે કે રાજ્યમાં આ વખતે ઉત્તરાયણની ઉજવણી વિશે ટૂંક સમયમાં જ માર્ગદર્શિકા ઘોષિત કરવામાં આવશે. ધાબા પર વધારે સંખ્યામાં લોકો ભેગા ન થાય એ જરૂરી છે.
ધાબા પરથી માત્ર પરિવારના 5-7 લોકો જ પતંગ ચગાવી શકશે. 50-50 જેટલા લોકોને એકઠા થવાની મંજૂરી મળશે નહીં, એમ તેમણે કહ્યું, જેઓ આરોગ્ય પ્રધાન તરીકેનો પણ હોદ્દો સંભાળે છે. ધાબા પર વધારે લોકોએ એકઠા થવા માટે પોલીસની અગાઉથી મંજૂરી લેવી પડશે. જોકે પરિવારો ઉત્તરાયણનો આનંદ પણ મેળવી શકે એની અમે પૂરતી તકેદારી રાખીશું. ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ કોરોના વાઈરસના કેસો અચાનક વધી ગયા હતા ત્યારે હાઈકોર્ટ નારાજ થઈ હતી. કોર્ટે ઉત્તરાયણ પર્વના સંબંધમાં પણ એક જનહિતની અરજી પરની સુનાવણી વખતે રાજ્ય સરકારને કહ્યું હતું કે તમે કડક નિયમો લાગુ કરો. ઉત્તરાયણ તહેવાર તો લોકો આવતા વર્ષે પણ ઉજવી શકશે. આમ, ગુજરાત સરકારે હાઈકોર્ટના સખત વલણને કારણે જ ઉત્તરાયણ સંબંધિત કડક ગાઈડલાઈન્સ જાહેર કરી છે.