ના હોય ! ગુજરાત પોલીસ વિભાગમાં પ્રમોશનની યાદીમાં ગોપાલ ઇટાલિયાનું નામ!

ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસ વિભાગમાં બઢતી માટેની એક યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં વિવિધ વિભાગોને યાદીમાં સામેલ નામ અંગે તપાસ કરવા આદેશ કરતી નોટિસ છે. નવાઈની વાત તો એ છે કે, આ યાદીમાં નવ વર્ષ પહેલાં કોન્સ્ટેબલની નોકરી છોડી ચૂકેલા ઇટાલિયાનું નામ પણ સામેલ છે.

નોંધનીય છે કે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રમોશન આપવા માટેની યાદીમાં નવ વર્ષ પહેલાં સરકારી નોકરી છોડી ચૂકેલા આમ આદમી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને પ્રમોશન આપી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવવા ભલામણ કરવામાં આવી છે. જો કે, ગોપાલ ઇટાલિયાએ 2015માં જ પોલીસ કોન્સ્ટેબલની નોકરી છોડી દીધી હતી. પરંતુ અહીં સવાલ એ થાય છે કે એના નામ પર આટલા વર્ષો સુધી પગાર પણ થતા હતા. જો કે આ બાબતે અમદાવાદ પોલીસે સ્પષ્ટતા કરી છે.

અમદાવાદ પોલીસ વિભાગે આ સમાચારને પાયાવિહોણા ગણાવતા X પર પોસ્ટ કરતાં કહ્યું છે કે અમુક સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયાને 2015માં પોલીસ નોકરીમાંથી રાજીનામું આપ્યું હોવા છતાં 2024માં હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપેલ છે, પરંતુ આ સમાચાર તદ્દન ખોટા અને પાયાવિહોણા છે.

વર્ષ 2012માં હાજર થયેલા પોલીસ કર્મચારીઓના નામ આ યાદીમાં આપવામાં આવ્યા છે. જેમની વિરૂદ્ધ  કોઈ કાર્યવાહી થઈ રહી છે કે કેમ એની તપાસ અંગે આ નોટિસ જારી કરવામાં આવી છે. જેથી ગોપાલ ઇટાલિયાનું નામ આ યાદીમાં સામેલ છે, પંરતુ એમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવ્યું નથી. જેના પરથી સ્પષ્ટ થાય છે કે ગોપાલ ઈટાલીયાને કોઈ પ્રમોશન આપવામાં આવ્યું નથી.