ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા-ર૦ર૦ના વિજેતા નાટકોનો નાટ્યોત્સવ યોજાઇ રહ્યો છે. બુધવારે સાંજે પ્રથમ નાટક ‘કુમારની અગાશી’ના મંચનથી નાટ્યોત્સવનો શાનદાર શુભારંભ થયો હતો. ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા છેલ્લા ૧૪ વર્ષથી યોજાઇ રહી છે. ત્રિ-અંકી ફૂલલેન્થ નાટકોની આ એકમાત્ર સ્પર્ધાએ નાટ્ય રસિકોમાં આગવું આકર્ષ ઉભું કર્યું છે. તાજેતરમાં મુંબઇમાં સંપન્ન થયેલી આ સ્પર્ધાના પ્રથમ ત્રણવિજેતા નાટકો ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા ગાંધીનગરમાં ભજવાઇ રહ્યા છે.
ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ, જાણીતા નાટ્યલેખક પ્રવિણ સોલંકી, ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીના વ્યવસ્થાપક લલિતભાઈ શાહ, કો-ઓર્ડીનેટર રમાકાન્તભાઈ ભગત, જાણિતા લેખક મધુ રાય, કવિ-સર્જક ભાગ્યેશભાઈ જહા અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સચિવ જયોતિષભાઈ ભટ્ટે દીપ પ્રગટાવીને નાટ્યોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી યોજાઇ રહેલા નાટ્યોત્સવના શુભમારંભે ગુજરાતી નાટકોના જાણીતા લેખક પ્રવિણભાઈ સોલંકીએ ચિત્રલેખા નાટ્ય સ્પર્ધાની સમગ્ર પ્રક્રિયા જણાવતાં કહ્યું હતું કે, ચિત્રલેખા નાટ્ય સ્પર્ધાએ ગુજરાતી રંગભૂમિને ઘણા સિદ્ધહસ્ત અભિનેતા-દિગ્દર્શકો અને કસબીઓ આપ્યા છે. પ્રેક્ષકોને માણવા પણ ગમે એવા આ નાટકો વ્યવસાયિક અને પ્રયોગશીલ રંગભૂમિના અદ્દભૂત સંમિશ્રણ જેવાં છે.
ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્તભાઈ જહાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના પ્રેક્ષકો પ્રયોગશીલ નાટકોને પણ મન ભરીને માણી રહ્યા છે. ફોરમના રજતજયંતી વર્ષની આછેરી ઝલક આપતાં તેમણે કહ્યું કે, પ્રસન્નતાના આ પચ્ચીસમાં વર્ષ દરમ્યાન પ્રસન્નતા એ પાટનગરનો સ્થાયીભાવ બને એવા પ્રયત્નો કરાયાં છે. તેમણે ફોરમ દ્વારા સૌપ્રથમ વખત યોજાયેલા આ પ્રકારના નાટ્યોત્સવ માટે રાજીપો વ્યકત કરીને પ્રેક્ષકોને આવકાર્યા હતા.
સેકટર-ર૮ના રંગમંચ પર યોજાઇ રહેલા આ ત્રિ-દિવસીય નાટ્યોત્સવના બીજા દિવસે ‘શુભ મંગલ સવાધન’ નાટક યોજાયું હતું. તા. ૭મી ફેબ્રુઆરીને શુક્રવારે સાંજે ૭.૩૦ કલાકે નાટક ‘અહમનું એન્કાઉન્ટર’ ભજવાશે.