તું મને “સુખ” આપ, હું તને ડિગ્રી અપાવીશ..

તું મારું કામ કરીશ?

હા બોલો ને?

મારી એક ઇચ્છા છે…

હા તો કહો ને શું ઈચ્છા છે?

તું હા પાડે તો મારે એક વાર..સુખ…

કાચી વયે ફક્ત પરસ્પર આકર્ષણને લીધે એકબીજા સાથે સંપર્કમાં આવેલા યુવક-યુવતી વચ્ચે આવો સંવાદ થયો હોય એવું લાગે, પરંતુ અહીં એક શબ્દ નથી લખ્યો એ છે: ‘સર’.

આ વાતમાં જ્યારે એવું પૂછવામાં આવે છે કે શું ઇચ્છા છે? ત્યારે પાછળ સંબોધન ‘સર’નું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી. માટે પોતાના ભવનના અધ્યક્ષને વિનંતી કરનાર એક વિદ્યાર્થિનીને એવું કહેવામાં આવ્યું કે પીએચ.ડી. તો શું, તને પ્રોફેસર પણ બનાવી દઈશ. બસ તું એક વાર….

આપણે આજે બધો દોષ સોશિયલ મીડિયા પર નાંખીએ છીએ પરંતુ અહીં આ માંગણી વિદ્યાર્થિની પાસે કરનાર પ્રોફેસર હરેશ ઝાલા સમાજશાસ્ત્ર-સોશિયોલોજી ભવનના અધ્યક્ષ છે. સૌરાષ્ટ્રના શિક્ષણક્ષેત્રે ફરી એક વાર ચર્ચાસ્પદ બનેલા કિસ્સામાં જો કે પ્રોફેસર ઝાલા સસ્પેન્ડ તો થઇ ગયા છે, પરંતુ વારંવાર આવું બને એનો ઉપાય ફક્ત સસ્પેન્શન છે?  જો કે હવે એમની વિરુધ્ધ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. અને એ મુદ્દો પણ વિવાદ ધારણ કરે એમ લાગી રહ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના પ્રો.હરેશ ઝાલા કેમ્પસમાં આમ પણ જાણીતા છે. એમની વિરુદ્ધ ફરજના સમયે, ફરજના સ્થળે નશો કરેલી હાલતમાં હોવાનો પણ કેસ છે, પરંતુ આ કિસ્સાની ગંભીરતા વધારે છે. રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ચાલી રહી હતી ત્યારે આ બનાવ પ્રકાશમાં આવ્યો. અહીં આક્ષેપ કે પછી કોઇએ સાંભળેલી વાત નહોતી, પરંતુ સ્પષ્ટ સાંભળી શકાય એવી ઓડિયો ક્લિપ હતી.

ઓડિયો વાયરલ થયાના અડતાલીસ કલાકમાં એન્ટી-સેક્સ્યુઅલ વુમન હેરેસમેન્ટ સેલને તપાસની તાકિદ કરીને સત્ય શોધવા આદેશ થયો અને કુલપતિ ડો.નીતિન પેથાણીના જણાવ્યા મુજબ, પ્રો.હરેશ ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  કેમ્પસ પર એમના આવવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. ફોરેન્સિક સાયન્સના નિષ્ણાતની મદદ તપાસમાં લેવાઇ છે.

જેમને ગુરુ કહેવામાં આવે, જેમના પર વાલી,વિદ્યાર્થી અને વિદ્યાપીઠ ત્રણેયનો ભરોસો હોય એવા વ્યક્તિ પણ આવી વૃત્તિ ધરાવે એ કેવું?  કોઈ પ્રોફેસરને અંગત જીવનમાં કોઈ શોખ હોય કે સંબંધ, એની ચર્ચા અહીં નથી, પરંતુ જ્યારે એ અધ્યાપન જેવા પવિત્ર વ્યવસાયમાં છે ત્યારે પોતાના દરજ્જાનો આટલી હદે દુરુપયોગ કરે? આનો એક અર્થ તો એવો થાય કે આવી મનોવૃત્તિ ધરાવતા લોકો પાસે વિદ્યાર્થિનીઓએ મેરિટ પર માર્ક્સ કે ડિગ્રી લેવાની અપેક્ષા જ ન રાખવી?  અને એક ડિગ્રી માટે દીકરીઓએ પોતાની લાજ શું નેવે મૂકવી પડે?  આ તે કેવું શિક્ષણ અને કેવા સંસ્કાર?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવું પહેલીવાર નથી બન્યું. દોઢ વર્ષમાં આ ત્રીજો કિસ્સો છે. બાયો-સાયન્સ ભવનના અધ્યક્ષ નીલેશ પંચાલ અને અર્થશાસ્ત્ર ભવનના અધ્યાપક રાકેશ જોશી આવા કારણે જ સસ્પેન્ડ થયા હતા. બન્ને સામે વિદ્યાર્થિની પાસે અભદ્ર માંગણી કર્યાનો આક્ષેપ હતો. નીલેશ પંચાલના કિસ્સામાં નિવૃત્ત જજ પાસે તપાસ પણ થઈ હતી. યુનિવર્સિટીએ એ પછી તો ભવનના અધ્યક્ષ કે પ્રોફેસર્સની ચેમ્બરના દરવાજામાં કાચ રાખવા, એમાં સનફ્રેમ ન લગાડવી, સીસીટીવી કેમેરા રાખવા એવા નિર્ણય લેવાયા હતા. જો કે એનો અમલ પણ ચુસ્ત રીતે થતો નથી. જોકે, આ બધા વચ્ચે સવાલ તો એ છે કે પ્રાધ્યાપક દરજ્જાના લોકો માટે આવા નિયમ ઘડવા પડે?  કોઇ નિયમ ન હોય તો પણ પોતાની જાતને, વૃત્તિને આ વર્ગ કાબુમાં ન રાખી શકે?

જો પ્રોફેસર્સ જ આવું કરે તો વિદ્યાર્થીવર્ગને કોણ સંસ્કાર શીખવે? આ ત્રણ કિસ્સા તો બહાર આવ્યા છે એ સિવાય આવું નહીં બન્યું હોય એની પણ કોઇ સાબિતી નથી. અન્ય કોઇ પ્રોફેસરે કે આ જ લોકોએ અન્ય કોઇ વિદ્યાર્થિની પાસે આવી માંગણી નહીં કરી હોય એવું પણ નક્કી નથી. એટલે વાંક પ્રોફેસર્સનો તો છે જ પરંતુ જો કોઇ વિદ્યાર્થિની ફક્ત પાંચ-દસ માર્ક્સ કે એકાદ ડિગ્રીના સર્ટિફિકેટ માટે આવી માંગણીને વશ થાય તો એમના પક્ષે પણ એ યોગ્ય નથી.

અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છાપ પણ સ્વભાવિક રીતે ખરડાઇ છે. હવે વિચારણા એવી ચાલી રહી છે કે વિદ્યાર્થિનીને મહિલા ગાઇડ પીએચ.ડી. માટે ફાળવવા. પરંતુ આ પણ પ્રેક્ટિકલ રસ્તો નથી. પુરુષ પ્રાધ્યાપક જ હોય અને છતાં વિદ્યાર્થિની સુરક્ષિત રહે એવું વાતાવરણ અને વ્યવસ્થા કેમ ઉભાં ન થાય?

દરમિયાન વળાંક તો એવો આવ્યો છે કે પ્રો. હરેશ ઝાલા અને વિદ્યાર્થિનીએ કહ્યું કે ઓડીયો ક્લિપમાં સંભળાતા અવાજ એ બન્નેના નથી. જો કે ફોરેન્સિક તપાસની પ્રક્રિયા તો ચાલુ રહી. સિન્ડીકેટની બેઠક મળી એમાં નિર્ણય થયો કે ફરિયાદ તો થશે. અને એમાં બીજો મુદ્દો પણ ભળ્યો કે તો પછી અગાઉના કિસ્સામાં શા માટે ફરિયાદ નહીં? એક ચર્ચા એવી પણ છે કે સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષપદની ખુરશી પણ અહીં કારણભૂત છે. કદાચ એ મુદ્દો પણ ન હોય તો નવાઇ.

દરમ્યાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણી ચિત્રલેખા.કોમને કહે છે અમે કોઇ પણ ભોગે આવું ચલાવી લેવા માંગતા નથી.

ત્રણેય કિસ્સામાં ત્વરિત પગલાં લીધા છે. શક્ય હોય ત્યાં સુધી વિદ્યાર્થિનીને મહિલા ગાઈડ પાસે પીએચ. ડી. કરવાનું થાય એવી વ્યવસ્થા કરીએ છીએ. દરેક ભવનમાં સી.સી.ટી.વી. કેમેરા છે. ભવનમાં અધ્યક્ષની અંગત ચેમ્બર પણ બંધ કરાવી દીધી છે. કોઈપણ વિદ્યાર્થિની જરૂર જણાય તો વુમન એન્ટી હેરેસમેન્ટ સેલમાં પણ રજૂઆત કરી શકે છે. એમના નામ ગુપ્ત જ રહેશે.

જો કે આ બધી વાતો હજી તો ચાલી રહી છે ત્યાં જ આખા પ્રકરણને સંકેલી લેવામાં આવ્યું છે. એન્ટિ-વુમન સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલે રિપોર્ટ આપી દીધો છે કે આમા પ્રોફેસર હરેશ ઝાલા દોષી નથી. પ્રોફેસર અને વિદ્યાર્થિનીએ કહ્યું કે, આ અમારો આવાજ નથી એ પછી ફોરેન્સિક લેબના તારણ વગર એવું માની લેવામાં આવ્યું કે આ અવાજ એમના નથી અને એમને ક્લીન ચીટ આપવામાં આવી છે.

(જ્વલંત છાયા-રાજકોટ)