આ શીશપાલનું કદ નાનું છે, પણ હિંમત મોટી છે…

અમદાવાદઃ કેટલાક શરીર સાવ સાજુ સારુ હોય છે, પણ તેઓ મનથી ડરપોક હોય છે. આ પ્રકારના લોકો માટે ઉદાહરણ છે 3 ફૂટનો આ શીશપાલ. શીશપાલ લીંબા જોધપુર રાજસ્થાનનો છે. તેણે પર્વતારોહણ ઇન્સ્ટિટ્યૂટ માઉન્ટ આબુ ખાતે 10 દિવસનો બેઝીક કોર્સ પૂર્ણ કર્યો છે. તેની ઊંચાઈ માંડ 3 ફૂટ છે, પણ જીવનનો જુસ્સો 100 ફૂટ! પ્રથમ દિવસે તેને રિપોર્ટિંગમાં પૂછેલું કે, આટલા ટૂંકા પગમાં પહાડો ચડવા મુશ્કેલ તો નહીં થાય ને. ત્યારે તેનો ઉત્તર હતો કે, કોર્સનું પરિણામ જોઈ લેજો. આખરે તે સફળ થયો અને એડવાન્સ કોર્સ માટેની લાયકાત કેળવી લીધી છે.

કુદરતી સંજોગોએ તેને દોઢ ફૂટ કહીને ખીજવી શકાય તેવો બનાવ્યો છે, પરંતુ તે બધું જ નોર્મલી કરીને સુંદર હાથ-પગવાળાને શરમાવે છે, ખીજવે છે. ઇન્સ્ટ્રક્ટર નૈમીનભાઈ પટેલે જણાવ્યું કે, કોર્સ દરમિયાન હું તેનો જુસ્સો નિહાળી ક્લાઇમ્બીંગ- રેપલિંગ શીખવતો હતો. છેલ્લે લાગ્યું કે, જીવનમાં ક્યારેય હારી નથી જવાનું તે વાત મને શીખવી ગયો. હું તેનામાંથી મળેલું શિક્ષણ ભૂલી શકીશ નહી.

ફેસબુક ઉપર તેની દીવાલ જોશો તો તમે પણ જીવનની કોઈપણ દીવાલો ચડતા થઈ જશો,તેમાં બે મત નથી. પ્રવાસ-પર્યટનનો પણ એટલો જ શોખ છે. દેશના જાણીતા સ્થળો લાલ કિલ્લાથી માંડી જલિયાવાલા બાગ સુધીની સફરો ખેડી લીધી છે. સફર દરમિયાન ગમે તેટલી તકલીફ પડે પણ શીશપાલ ઉપર તેની કોઇ અસર થતી નથી. દર વર્ષે 5 પર્યટન સ્થળોની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો છે.

વાક્છટા પણ સુંદર છે. શેરો શાયરીનો શોખીન છે એટલે કાર્યક્રમોના સંચાલનમાં અવ્વલ છે. અત્યાર સુધીમાં 50 જેટલા કાર્યક્રમોનું સંચાલન કરી ચૂક્યો છે અને કવિ સંમેલનમાં કવિતાઓ બોલીને સૌને આશ્ચર્યચકિત કરી મૂકે છે. સાથે જ તે મોટિવેશન સ્પીકર તરીકે પણ કાર્યક્રમોમાં પહોંચે છે અને તે પણ સંપૂર્ણ પોતાની રીતે!

સમાજમાં આ પ્રકારના અનેક જીવતા જાગતા દાખલા છે કે, જેઓ આપણને જીવવાનું જોમ પુરુ પાડે છે.

(જિજ્ઞેશ ઠાકર-ભાવનગર)