ગુજરાતમાં 49973 આયુષ પ્રેક્ટીશનરો છે

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાજ્યસભામાં આજે આયુષ હોસ્પિટલો અને તબીબો અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં આયુર્વેદ, યોગા અને નેચરોપથી, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી(આયુષ) રાજ્યમંત્રી યેસ્સો નાઇકે જણાવ્યું કે, સમગ્ર ભારતમાં નોંધાયેલા 8 લાખ આયુષ પ્રેક્ટિશનરો(ડૉક્ટરો) માંથી ગુજરાતમાં કુલ 49 હજાર 973 પ્રેક્ટિશનરો નોંધાયા છે. સમગ્ર દેશમાં આયુષ મંત્રલાયમાં નોંધાયેલી કુલ 4035 આયુષ હોસ્પિટલમાંથી ગુજરાતમાં કુલ 64 હોસ્પિટલો આવેલી છે.

ગુજરાતમાં 49,973 આયુષ પ્રેક્ટિશનરોમાં સૌથી વધુ 26,716 આયુર્વેદની પ્રેક્ટિસ કરે છે, અન્ય 22, 930 હોમિયોપથી પ્રેક્ટિશનર છે અને 327 યુનાની પ્રેક્ટિશનર છે. દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ આયુષ પ્રેક્ટિશનરની નોંધણીમાં ગુજરાત પાંચમા સ્થાને છે, જ્યારે મહારાષ્ટ્ર 1.53 લાખ અને બિહાર 1.36 લાખ પ્રેક્ટિશનરો સાથે પહેલા અને બીજા સ્થાને છે. ગુજરાતમાં નોંધાયેલી 64 આયુષ હોસ્પિટલોમાં 42 આયુર્વેદ હોસ્પિટલો છે. જ્યારે ભારતની કુલ 4035 આયુષ હોસ્પિટલોમાં અડધાથી પણ વધુ 2316 હોસ્પિટલો ઉત્તર પ્રદેશમાં નોંધાયેલી છે.

સાંસદ પરિમલ નથવાણી જાણવા માંગતા હતા કે સમગ્ર દેશમાં અને રાજ્યવાર કુલ કેટલા તબીબો આયુર્વેદ, હોમિયોપથી, યુનાની, સિદ્ધા અને નેચરોપથીની આયુષ પ્રેક્ટિસ કરે છે અને કેટલી આયુષ હોસ્પિટલો આવેલી છે. આયુષની સ્વાસ્થ્યસંભાળની સુવિધાઓને સમાજના મુખ્યપ્રવાહ સાથે જોડવામાં સરકારે કેવા પગલાં લીધા છે એ અંગે પણ નથવાણીએ પૃચ્છા કરી હતી. પ્રત્યુત્તરમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ મુજબ, આયુષ દ્વારા પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ અને રેહાબિલિટેટિવ સેવાઓ સર્વગ્રાહી રીતે પૂરી પાડવામાં આવે છે. આ નીતિ સુનિશ્ચિત કરે છે કે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડતાં સ્થળો પર આયુષની સારવાર મળી રહે. આયુર્વેદિક દવાઓના ધોરણો નિશ્ચિત કરવા અને તેને માન્યતા આપવા તથા આયુષની ઔષધિઓનું અસરકારક ક્વોલિટી કંટ્રોલ કરવાની જરૂરિયાતને પણ સ્વાસ્થ્ય નીતિ સ્વીકારે છે. સ્થાનિક લોકોને સાંકળીને ટકી શકે એવી જીવનનિર્વાહ પદ્ધતિને વિકસાવવા માટે અને ઔષધીય વનસ્પતિના સ્થાનિક-ઔદ્યોગિકથી લઈને બજાર સુધીની પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા પર સ્વાસ્થ્ય નીતિ ધ્યાન કેન્દ્રિત કરે છે. ઔષધીય વનસ્પતિની પદ્ધતિસરની ખેતીને બળવત્તર બનાવવા માટે પણ આ નીતિમાં ભાર મૂકવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]