24મીથી સંસ્કૃતિકૂંજનો વસંતોત્સવ, 15 દિવસ સુધી 500 કલાકાર કરાવશે જલસો

અમદાવાદ-પાશ્ચાત્ય દેશોમાં ધામધૂમથી ઉજવાઇ રહેલા વેલેન્ટાઇન ડેને ભૂ પીવડાવે તેવા વસંતોત્સવના દિવસો આવી ગયાં છે. વસંત પંચમીનું આગમન એટલે ઋતુ પરિવર્તનનો અહેસાસ. ઋતુઓના આ પરિવર્તનને ઉત્સવમાં પરિવર્તિત કરાવવા યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ હમેંશા અગ્રેસર ભૂમિકા ભજવે છે. પાનખરને વિદાય આપી ગ્રીષ્મની વધામણી કરવા વસંત મહોત્સવ શિરમોર રાષ્ટ્રીય કાર્યક્રમ છે. જેમાં દેશના ભિન્નભિન્ન રાજયોની લોકકલા અને સંસ્કૃતિ તથા ગુજરાતના કલાકસબનું આદાનપ્રદાન કરાવવામાં આવે છે. આ ભાતીગળ કાર્યક્રમનું ભરચક કલારસિકોની હાજરીમાં મંથન કરવામાં આવે છે.૨૨ વર્ષથી સતત યોજાતો વસંતોત્સવ ગાંધીનગર માટે મોટું નજરાણું છે. ૨૪/૦૨/૨૦૧૮થી ૧૦/૦૩/૨૦૧૮ સુધી કમિશનર કચેરી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને વેસ્ટઝોન કલ્ચરલ સેન્ટર ઉદેપુરના સંયુકત ઉપક્રમે સંસ્કૃતિકુંજ ગાંધીનગરના પ્રાકૃતિક સૌંદર્યથી સભર એવા ઉબડખાબડ કોતરોની મધ્યમાં વસંતોત્સવ, તૂરી બારોટ કલાકારોની શિબિર અને આદિજાતિ મહોત્સવ રંગેચંગે ઉજવાય છે. અંદાજે ૫૦૦ જેટલા કલાકારો દ્વારા આ મહોત્સવનું નિદર્શન થાય છે. આ વસંતોત્સવમાં દેશના જુદા જુદા રાજ્યોમાથી ખ્યાતી પ્રાપ્ત ૧૮ જેટલા કલાવૃંદોને નિમંત્રયા છે. જેમાં રાજસ્થાનનું કાલબેલિયા અને ભપંગ વાદન, મહારાષ્ટ્રનું ધનગરી ગજા અને લેજીમ, ગોવાનું દેખણી, પંજાબનું ભાંગડા, ગિદ્દા ઉતરપ્રદેશનું ડેડિયા નૃત્ય, નાગપુરનું બરેડી અને આદિવાસી નૃત્ય, આસામનું બીહુ, પુંગ ઢોલ, ચિલમ, કલકતાનું ગોટીપુઆ, પુરૂલિયા મુખ્યત્વે છે.  આ ઉપરાંત આદિજાતિ કલાવૃંદોમાં રોજેરોજ બનાસકાંઠાનું જગજવેરા નૃત્ય, છોટા ઉદેપુરનું રાઠવા નૃત્ય, નર્મદાનું આદિજાતિ લગ્ન નૃત્ય, ડાંગનું કહાડિયા નૃત્ય, દાહોદ તાપીનું આદિજાતિ નૃત્ય તથા ભરૂચ જિલ્લાનું સિદ્દી ધમાલ નૃત્યનું રસપાન કરવામાં આવશે. ગુજરાતનો છેલછબીલો છડીદાર, રઢિયાળા તૂરી બારોટ સમાજની વાત પણ નિરાલી છે. લુપ્ત થતી આ લોકભોગ્ય કલાને જીવંત રાખવા દર વર્ષે આ કલાકારોની લોકગાયકી, લોકસાહિત્ય, લોકસંગીતની ઝાંખી કરાવવામાં આવે છે. કચ્છી ઘોડી, મેવડો લોક નૃત્ય, ભવાઇ, વેરાડી ઝૂલણાંં, સળગતો ગરબો, હાથીનો વેશ, રાવણ હથ્થો, ઢોલ, મહિષાસુરનો વધ અને સનેડો મુખ્યત્વે છે.

આ મહોત્સવની સાથે દેશની પ્રસિદ્ધ હસ્તકલાની જણસોનું બજાર અને હસ્તકલાની હાટડીયો મંડાય છે. હેન્ડીક્રાફટની કૃતિઓ તથા માહિતી અને પ્રવાસન ખાતા દ્વારા પ્રદર્શન યોજી સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવાય છે. પોલીસ ખાતું, આરોગ્ય ખાતું સતત લોકોના આરોગ્યને જાનમાલની કાળજી સેવે છે. એક સાથે આ ત્રણે કલાઓનું મંથન એક જ સ્ટેજ પરથી કરી સાંસ્કૃતિક ચેતનવંતી બનશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]