તો સીરિયા પર સૈન્ય કાર્યવાહી કરી શકે છે ફ્રાન્સ

પેરિસ- ફ્રાંસના પ્રેસિડેન્ટ ઈમૈન્યુઅલ મેક્રોએ કહ્યું છે કે, જો એ વાત સાબિત થશે કે, સીરિયાની સરકારે જ ત્યાંના નાગરિકો પર પ્રતિબંધિત રાસાયણિક હથિયારોનો ઉપયોગ કર્યો છે તો આવા સંજોગોમાં ફ્રાંસ સીરિયા પર સૈન્ય કાર્યવાહી કરશે. મેક્રોએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ફ્રાંસ એ સ્થળો પર હુમલા કરશે જ્યાંથી સીરિયા દ્વારા તેના જ નાગરિકો પર હુમલા કરવામાં આવ્યા હતા.ફ્રાંસના પ્રેસિડેન્ટે કહ્યું કે, ‘અમારી એજન્સીઓ હજીસુધી એ સાબિત નથી કરી શકી કે, સીરિયાની સરકાર દ્વારા જે રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનો મુખ્ય ટાર્ગેટ સ્થાનિક નાગરિકો હતા. એ સાબિત થશે કે તરત જ હું સીરિયા પર હુમલો કરીશ એ વાતમાં કોઈ શંકા નથી’. મેક્રોએ કહ્યું કે, અમારી પ્રાથમિકતા આતંકીઓ અને જેહાદીઓ સાથે લડવાની છે. પરંતુ સીરિયાની સરકારે પણ સંઘર્ષ દરમિયાન અથવા બાદમાં રાસાયણિક હથિયારોના ઉપયોગ માટે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં પોતાના બચાવમાં જવાબ રજૂ કરવો જ પડશે.

ઈમૈન્યુઅલ મેક્રોએ જણાવ્યું કે, જો શક્ય હોય તો સીરિયાના સંદર્ભમાં એક આંતરરાષ્ટ્રીય બેઠક બોલાવવી જોઈએ. રશિયાના પ્રેસિડેન્ટ પુતિન સાથે ગતરોજ ફોન પર વાત કરવા દરમિયાન મેક્રોએ જણાવ્યું કે, તેઓ એ વાતથી ચિંતિત છે કે, વિતેલા કેટલાક દિવસો દરમિયાન સીરિયાના સામાન્ય નાગરિકો પર ક્લોરીન હુમલાના અનેક સંકેતો સામે આવ્યાં છે. જો આવી ઘટનાનું પુનરાવર્તન થશે અને સાબિત થશે તો ફ્રાન્સ સીરિયા પર સૈન્ય કાર્યવાહી કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]