રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી ચારનાં મોત

અમદાવાદઃ રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત્ છે. રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ ચારનું મોત થયું છે. વેસુ અને ડિંડોલીમાં સિક્યોરિટી ગાર્ડ અને પાંડેસરામાં 45 વર્ષીય યુવકનું હાર્ટ-એટેકથી મોત થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મોરબીના નાની વાવડી ગામે શિક્ષકને હાર્ટ એટેક આવતા મોત થયું છે. દીપકભાઈ મોરબીના નાની વાવડી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં. તેમના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છે.

સુરતમાં ચાની દુકાન સામે જ સિક્યોરિટી ગાર્ડને હાર્ટ એટેક આવતાં મોત થયું છે. સુરતના વેસુ વિસ્તારમાં આ ઘટના બની છે. ચા પીતાં-પીતાં તબીયત બગડી હતી. ત્યાર બાદ સિક્યોરિટી ગાર્ડ બેભાન થઈ ગયો હતો. જે પછી હોસ્પિટલ લઈ જવામાં આવતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ગાર્ડનું હાર્ટ એટેકથી મોત થયાનો અંદાજ છે.

રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ-એટેકના બનાવો સામાન્ય લોકોથી લઈને સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યમાં હાર્ટ-એટેકથી નાની ઉંમરે યુવકો અને બાળકો પણ મોતને ભેટી રહ્યાં છે. કોઈ પણ પ્રકારની બીમારી ન હોય એમ છતાં અનેક લોકો હાર્ટ-એટેકનો શિકાર બની રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જ ચારનાં શંકાસ્પદ હાર્ટ-એટેકથી મોત થયાં છે.

હાર્ટ એટેકના કેસને લઇને કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર અભિષેક ત્રિપાઠીએ કહ્યું કે હાર્ટ એટેક આવવાનું એક કારણ અપૂરતી ઊંઘ છે. જો વ્યક્તિ પૂરતી ઊંઘ ન લે તો હાર્ટ એટેકનો શિકાર બની શકે છે. અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના જનરલના પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ છ કલાકથી ઓછી ઊંઘ લેનારા લોકોને હાર્ટ એટેક આવવાનું જોખમ 32 ટકા વધારે હતું.