હિલેરી ક્લિન્ટન બે દિવસ ગુજરાતની મુલાકાતે

અમદાવાદઃ અમેરિકાનાં ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ બિન-સરકારી સંસ્થા સેલ્ફ-એમ્પાવર્ડ વીમેન્સ એસોસિએશન (SEWA)નાં કાર્યક્રમો ભાગ લેશે અને આ સંસ્થાની સ્થાપના કરનાર દિવંગત ગાંધીવાદી સમાજસેવિકા ઈલા ભટ્ટને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે. ઈલાબેનનું 89 વર્ષની વયે ગયા વર્ષની બીજી નવેમ્બરે નિધન થયું હતું.

હિલેરી ક્લિન્ટન આજે અમદાવાદમાં ‘સેવા’ સંસ્થાના કાર્યાલયમાં સંસ્થાનાં હોદ્દેદારો સાથે વિચારવિમર્શ કરશે. ‘સેવા’ સંસ્થાના 50મા વર્ષની સમાપ્તિ નિમિત્તે હિલેરી ક્લિન્ટન તેની મુલાકાતે આવ્યાં છે. ‘સેવા’ સંસ્થાએ એક નિવેદનમાં કહ્યું છે કે હિલેરી ક્લિન્ટન સંસ્થાનાં સભ્યો માટે પ્રેરણાસ્રોત રહ્યાં છે. એમની આ મુલાકાત આ સંસ્થાને બીજા 50 વર્ષ આગળ લઈ જવામાં યુવા પેઢીને પ્રોત્સાહિત કરશે.

હિલેરી ક્લિન્ટન આજે અમદાવાદમાં સેવા રિસેપ્શન સેન્ટરની મુલાકાત લેશે અને ત્યાં સભ્યો સાથે વિચારવિમર્શ કરશે અને વક્તવ્ય આપશે. તેઓ ઈલા ભટ્ટે 2022માં સેવા સંસ્થાની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી નિમિત્તે વિક્ટોરિયા ગાર્ડનમાં વાવેલા વડના ઝાડ નજીક એક તકતીનું અનાવરણ કરશે. સોમવારે ક્લિન્ટન સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે જસે અને ત્યાં સેવા સંસ્થાનાં ગ્રામિણ કાર્યક્રમના ભાગરૂપે મીઠું પકવતા કામદારો સાથે વિચારવિમર્શ કરશે.

SEWA સંસ્થા મહિલા શ્રમિકોનાં અધિકારો માટે મહિલા શ્રમિકો દ્વારા શરૂ કરાયેલી મહિલા ટ્રેડ યુનિયન સંસ્થા છે. ઈલા ભટ્ટે 1972માં તેની સ્થાપા કરી હતી. હિલેરી ક્લિન્ટન અને ઈલાબેન ભટ્ટ 1995ની સાલથી એકબીજાંનાં પરિચયમાં હતાં. 2018માં, પોતાની એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં ક્લિન્ટને મહિલાઓનાં અધિકારો માટે ઈલા ભટ્ટનાં કાર્યને ‘ક્રાંતિકારી પ્રયોગ’ તરીકે ઓળખાવ્યું હતું.