અમેરિકાએ ચીનનું જાસૂસી બલૂન તોડી પાડ્યું

વોશિંગ્ટનઃ અમેરિકાએ એટલાન્ટિક મહાસાગર પરના આકાશમાં એક શંકાસ્પદ ચાઈનીઝ જાસૂસી બલૂનને તોડી પાડ્યું છે. સીએનએન ન્યૂઝ ચેનલના અહેવાલ અનુસાર, યૂએસ પ્રમુખ જો બાઈડને બલૂનને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો અને અમેરિકી હવાઈ દળે તેનું પાલન કર્યું છે. હવાઈ દળના વિમાનોએ તેને તોડી દીધા બાદ બલૂનનો કાટમાળ સમુદ્રમાં ખાબક્યો હતો. ત્યાંથી એને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ જાસૂસી બલૂન કેલિફોર્નિયા રાજ્યના સમુદ્રકાંઠા પરના આકાશમાં દેખાયું હતું. આ બલૂન અગાઉ આ અઠવાડિયાના આરંભમાં મોન્ટાના પરના આકાશમાં જોવા મળ્યું હતું. ત્યાંથી એણે અમેરિકાના મધ્ય ભાગનો પ્રવાસ કર્યો હતો. બલૂનને તોડી પાડતા પહેલાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને નોર્થ કેરોલિનામાં વિલ્મિંગ્ટન શહેર અને સાઉથ કેરોલિનામાં ચાર્લ્સટન અને માઈરલ બીચ ખાતે, એમ ત્રણ વિમાનીમથકો પર સ્થાનિક સમય મુજબ શનિવારે બપોરે 12.45 વાગ્યાથી વિમાનસેવાને અટકાવી દીધી હતી. ત્યારબાદ બલૂનને તોડી પાડવામાં આવ્યું હતું.

ચીની વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તે બલૂન આકસ્મિક રીતે અમેરિકાની હવાઈસીમાની અંદર પ્રવેશી ગયું હતું. તે છતાં અમેરિકાના વિદેશ મંત્રાલયે આ ઘટનાને અમેરિકાના સાર્વભૌમત્વ તથા આંતરરાષ્ટ્રીય કાયદાના સ્પષ્ટ ઉલ્લંઘન તરીકે ગણાવી છે. અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કને એમની ચીન ખાતેની મુલાકાતને પણ મુલતવી રાખી દીધી છે.