શતાબ્દીભણી આગેકૂચ કરતા સામયિકની એક અપીલ

વ્યક્તિ કે સંસ્થા શતાબ્દીમાં પ્રવેશ કરે કે શતાબ્દી ભણી આગેકૂચ કરે એટલે એની ઉજવણી કરવાનો, એના ગુણગાન ગાવાનો આપણે ત્યાં એક રીવાજ છે. હોવો ય જોઇએ, પણ આ જ વાત લોકોના સંસ્કાર ઘડતરનું કામ કરતાં સામયિકો-પ્રકાશનો માટેય એટલી જ લાગુ પડે છે. વર્ષોથી, કહો કે, દાયકાઓથી પેઢી દર પેઢી સંસ્કાર સિંચનનું કામ કરતા આવા પ્રકાશનો જ્યારે શતાબ્દીભણી દોડી રહ્યા હોય ત્યારે તો ખાસ.

વાત છે છેલ્લા 88 વર્ષથી ગુજરાતી ભાષા-સાહિત્ય-કલ્ચરના ક્ષેત્રે કાર્યરત ગુજરાતી સામયિક ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિકની. 1865માં સ્થપાયેલી મુંબઇસ્થિત સંસ્થા ફાર્બસ ગુજરાતી સભા વિશે તો આપ સૌ જાણો જ છો. ગુજરાતી સંસ્કૃતિની સેવામાં કાર્યરત આ સંસ્થા દ્વારા ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક 1936માં શરૂ કરવામાં આવ્યું હતું.

સિતાંશુ યશશ્ચંદ્ર

સંસ્થાના ટ્રસ્ટી, સામયિકના સંપાદક અને જાણીતા સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્ર કહે છે એમ, સંસ્કૃતિ મીમાંસા, સાહિત્ય સંશોધન અને ઇતિહાસ ચિંતનનું કામ કરતું આ સામયિક ગુજરાતી વિદ્યાજગતનું પ્રિય સામયિક બની રહ્યું છે. પરંતુ બદલાતા સમયમાં અન્ય પ્રકાશનોની સાથે આ પ્રકાશનને પણ જરૂર છે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ માટે જાગૃત હોય, એની ખેવના કરતા હોય એવા શુભેચ્છકોની. એમના આર્થિક સહયોગ અને હૂંફની.

 

આ માટે ફાર્બસના સંચાલકોએ ગુજરાતી ભાષાના આ સામયિકના સંવર્ધન માટે રસ ધરાવતા વાચકોને અપીલ કરી છેઃ એક, રસ ધરાવતા વાચક પાંચ વર્ષ માટે રૂપિયા 1500 નું લવાજમ ભરે. બે, કોઇપણ વ્યક્તિ પોતે જ્યાં ભણ્યા હોય એ સ્કૂલ-કોલેજ કે પોતાની ગમતી એવી પાંચ શૈક્ષણિક સંસ્થા માટે એક વર્ષનું રૂપિયા 1750 લવાજમ ભરે. એનાથી સામયિકને મદદ તો મળશે જ, પણ સાથે સાથે પાંચ શિક્ષણ સંસ્થામાં આ સામયિક વંચાતું થશે તો એનો ફાયદો આવનારી પેઢી-સમાજને જ મળશે.

પોણા નવ દાયકાથી ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ સર્જકો, સંશોધકો, ચિંતકો અને કલાકારોની કલમથી સમૃધ્ધ બનેલું આ સામયિક હવે આગળ ટકી રહેવા માટે ગુજરાતી ભાષા-સંસ્કૃતિના શુભચિંતકો પાસેથી આટલા સહકારની અપેક્ષા રાખે છે અને સિતાંશુ યશશ્ચંદ્ર આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં કહે છે કે, ગુજરાતીઓ ફાર્બસની આ અપીલને ઉમળકાભેર આવકારશે જ.

હા, જેમને રસ હોય એ નીચે આપેલી વિગતો પ્રમાણે લવાજમ ભરી શકે છે અથવા સંસ્થાના રાજેશ દોશીનો 836 9795793 નંબર પર સંપર્ક કરી શકે છેઃ

Account Name: Shri Forbes Gujarati Sabha

Account Number. 036601001151

ICICI Bank

Juhu Branch,

IFS No. ICIC0000366