પાંચ દિવસ વરસાદની આગાહીઃ રાજ્યમાં 76 ટકા વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના પહેલા બે મહિનામાં સીઝનના વરસાદની ઘટ પછી પાછોતરા નોંધપાત્ર વરસાદને લીધે એ ઘટ પૂરી થઈ ગઈ છે. સપ્ટેમ્બરના પ્રારંભથી જ રાજ્યના  વિવિધ વિસ્તારોમાં સારોએવો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર અને દાહોદમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 141 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરના કવાંટ, સુરતના બારડોલી અને મહુવામાં પોણાચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ખેડા-નડિયાદ, છોટા ઉદેપુરના બોડેલી અને છોટા ઉદેપુરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વિસાવદરમાં ત્રણ ઇંચ અને જૂનાગઢમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 76.44 ટકા વરસાદ નોંધવામાં આવ્યો છે. જ્યારે સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં 88.35 ટકા વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના રાજ્યનાં વડાં મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે પૂર્વ-રાજસ્થાનથી ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર પર પર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે. જેથી હજી રાજ્યમાં હળવાથી ભારે વરસાદ વરસતો રહેશે. જોકે બુધવાર બાદથી ક્યારેક ભારે વરસાદની શક્યતાની સાથે છૂટોછવાયો વરસાદ પણ વરસી શકે છે. રાજ્યમાં હજી પણ સરેરાશ 18 ટકા વરસાદની ઘટ છે. ચોમાસાના પ્રારંભમાં સામાન્ય વરસાદ બાદ ખેંચાયો પછી હવામાન વિભાગે સપ્ટેમ્બરમાં સારા વરસાદની આગાહી કરી હતી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]