અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24, 25 અને 26 જુલાઈ સહિત પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતથી લઈ કેરળના દરિયા કિનારા સુધી સિસ્ટમ ઉદભવી છે. બંગાળની ખાડીમાં પણ ઉદ્દભવેલા લો પ્રેશરની અસર ગુજરાતમાં થશે. વિભાગના અનુમાન મુજબ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો થશે, તો કચ્છમાં છૂટોછવાયો વરસાદ થશે.
બીજી બાજુ હાલ અમદાવાદ સહિત રાજ્યનાં સાત શહેરોમાં ગરમીનો પારો 34 ડિગ્રી પાર કરી ગયો હતો. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વાદળિયું વાતાવરણ છે અને ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને બાદ કરતાં બધી જ જગ્યા પર ગરમીનું પ્રમાણ વધ્યું છે.
આ સાથે વિભાગે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે-સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 15 તાલુકાઓમાં વરસાદ થયો છે.
વિભાગની આગાહી મુજબ નવસારી,વલસાડ, ડાંગ, સુરત, બનાસકાંઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, રાજકોટ, અમરેલી, ભાવનગર અને પોરબંદર, જૂનાગઢના ગીર-સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જોકે અમદાવાદમાં આગામી ત્રણ દિવસ માત્ર હળવા વરસાદની જ સંભાવના છે. ગઈકાલે દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 32.9 અને હવામાં ભેજનું પ્રમાણ 80 ટકા નોંધાયું હતું.