ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં કોરોનાવાઈરસ બીમારીના કેસોમાં આવેલા અભૂતપૂર્વ ઉછાળા અને દર્દીઓ તથા એમના પરિવારજનોને પડી રહેલી હાલાકીને ધ્યાનમાં લઈ ગુજરાત હાઈકોર્ટે સ્વયં-હસ્તક્ષેપ કરીને એક સુઓ-મોટો જનહિત અરજી નોંધાવી છે. તેની પર આજે કરેલી સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે કોરોનાવાઈરસના ઈલાજ માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે તે એન્ટી-વાઈરલ દવા (ઈન્જેક્શન) રેમડેસિવીર કોરોના દર્દીએ ક્યારે લેવાનું હોય છે એ વિશે તેમને સરકારે માહિતગાર કરવા જોઈએ.
કોર્ટે વધુમાં સરકારને સવાલ પૂછ્યો હતો કે કોરોનાનું ટેસ્ટિંગ શું રાજ્યના તમામ તાલુકાઓના દરેક નગરમાં થઈ રહ્યું છે કે નહીં. ચીફ જસ્ટિસ વિક્રમનાથે એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે રાજ્યમાં કોવિડ-19ના કેસો વિશે સરકાર દ્વારા રજૂ કરાતા આંકડા અને કેસોની ખરી સંખ્યા વચ્ચે મેળ બેસતો નથી. ગુજરાત સરકારે કોર્ટને કહ્યું કે અમે ઉત્પાદકોને કહ્યું છે કે તેઓ રેમડેસિવીરનું ઉત્પાદન વધારે. કેન્દ્ર સરકાર વતી હાજર થયેલા એટર્ની સોલિસીટર જનરલ દેવાંગ વ્યાસને હાઈકોર્ટે આદેશ આપ્યો કે ગુજરાતને ઓક્સિજનના વધારે સિલીન્ડરો પૂરા પાડો. વ્યાસે કબૂલ કર્યું હતું કે 80 ટકા ઓક્સિજન ઔદ્યોગિક ક્ષેત્રને આપવામાં આવે છે, પરંતુ હવે ઓર્ડર ઈસ્યૂ કરાશે કે પૂરેપૂરો 100 ટકા ઓક્સિજન આરોગ્ય ક્ષેત્રને વાળી દેવામાં આવે.